અપડેટ@ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સુરેન્દ્રનગરના ચુડામાં ખાબક્યો
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં વરસાદની આગાહીને પગલે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરેન્દ્રનગરના ચુડામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે બોટાદમાં 3 ઈંચ, ગોંડલમાં પોણા 3 ઈંચ અને નવસારી તથા ડેડિયાપાડામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. 5 તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ચીખલી, જલાલપોર, રાજુલા, બાયડ અને ડોલવણમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. 18 તાલુકામાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ જમાવટ કરી છે. નર્મદા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજપીપલા, સાગબારા, ડેડીયાપાડા, તીલાકવાડામાં મેઘમહેર જોવા મળી રહી છે.ગત મોડી રાત્રે વલસાડમાં ઘણા વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અહીં ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી વલસાડના રસ્તા પર પાણી ભરાયા હતા. વાપી, પારડી સહિતના તાલુકાઓમાં પણ વરસાદ પડ્યો હતો. વિરામ બાદ ફરી એક વખત મેઘમહેર થતાં ખેતીના પાકને ફાયદાકારક હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી.
નોંધનીય છે કે, રાજ્યમાં ચાર દિવસ મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે. 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેજ પવન, ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે. આજે દક્ષિણ ગુજરાતના ભાગો ઉપરાંત દમણ, દાદરાનગરહવેલીમાં મધ્યમથી સામાન્ય વરસાદ થઈ શકે છે. ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આવતીકાલે 25મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉપરાંત અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.