બ્રેકિંગ@ગુજરાત: આગામી 5 દિવસ આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાનની મોટી આગાહી

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીને બદલે રાજ્યમાં ચોમાસું બેઠું હોય તેવો માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે આગાહી કરતા જણાવ્યુ છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠાનો માર યથાવત રહેશે. રાજ્યમાં ચાર દિવસ અનેક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસશે. ભરઉનાળામાં રાજુલા અને લાલપુર પંથકમાં ત્રણ ઈંચ કમોસમી વરસાદ ખાબક્યો હતો. જ્યારે રાજકોટ સહિતનાં અનેક વિસ્તારોમાં છૂટા-છવાયા ઝાપટાં વરસ્યા હતા. બાબરીયાધાર ગામે ઉતાવળી નદીમાં ઘોડાપુર આવતા ટ્રકમાં જતાં પાંચ લોકો ફસાયા હતા. તો બીજી બાજુ હરીપર ગામમાં તોફાની વરસાદથી ભાગવત કથાનો ડોમ તૂટી પડચા છ શ્રોતાઓ ઘવાયા હતા.
1 મે 2023
મે મહિનાના પહેલા સપ્તાહમાં વરસાદી માહોલ રહેવાની જ આગાહી કરવામાં આવી છે. આજે પહેલી મેના રોજ ગુજરાતના જિલ્લાઓ જેમ કે, અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, વડોદરા, મહિસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, નર્મદા અને તાપી તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ જેમકે અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને કચ્છના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. દીવ, દમણ અને દાદરા નગર હવેલી તથા ગુજરાતના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.
2 મે 2023
2 જી તારીખે દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓ જેમ કે ડાંગ, નર્મદા અને તાપી, સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ જેમ કે અમરેલી, ભાવનગર, દેવભૂમિ-દ્વારકા, જામનગર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત, આ ઉપરાંત દક્ષિણ ગુજરાત પ્રદેશના બાકીના જિલ્લાઓ, સૌરાષ્ટ્ર અને દીવ, દમણ અને દાદરા નગર હવેલી તથા ગુજરાતના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.
3 મે 2023
3જી તારીખે દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓ એટલે કે ડાંગ, નર્મદા અને તાપી, સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છના કેટલાક છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ, દક્ષિણ ગુજરાત પ્રદેશના બાકીના જિલ્લાઓ, સૌરાષ્ટ્ર અને દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં શુષ્ક હવામાનની સંભાવના છે.
4 મે 2023
ચોથી તારીખે હવામાનની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત પ્રદેશના દાહોદ, અરવલ્લી, મહિસાગર અને સાબરકાંઠાના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર એટલે કે અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, જામનગર અને રાજકોટના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાત પ્રદેશ અને કચ્છના તમામ જિલ્લાઓમાં તથા ઉત્તર ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં શુષ્ક હવામાનની સંભાવના છે.
5 મે 2023
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, પાંચમી તારીખે દાહોદ, અરવલ્લી, મહિસાગર, સાબરકાંઠા, ડાંગ, તાપી અને વલસાડમાં, સૌરાષ્ટ્રના જિલ્લાઓ એટલે કે અમરેલી, ભાવનગર, દેવભૂમિ-દ્વારકા,જામનગર અને રાજકોટનાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે. કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમા તથા સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.