ચિંતા@ઉ.ગુ: અરવલ્લી સહિત હજી આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સોમવારે હોળીના દિવસે પણ ભારે પવનની સાથે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. જેના કારણે ગુજરાતના તાતના ઉભા પાકને નુકસાન પહોંચ્યું હતુ. ત્યારે હવામાન વિભાગે આજે આગાહી કરતા ખેડૂતોને 24 કલાક માટે સાવધાન કર્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી 24 કલાક હજી અનેક વિસ્તારોમાં માવઠું થશે પરંતુ તે બાદ રાજ્યનું હવામાન ક્લિયર થઇ જશે અને ગરમીની શરૂઆત થશે.
રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરતા હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે. રાજ્યમાં 48 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. તેમણે વધુમાં આગાહી કરતા જણાવ્યું છે કે, રાજકોટ અને અમરેલીને બાદ કરતા કચ્છ-સૌરાષ્ટ્રમાં માવઠું થવાની આગાહી નથી પરંતુ ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાંની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, ડાંગ, તાપી, નવસારીમાં વરસાદની શક્યતા છે.
આ સાથે 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીમાં વરસાદનું અનુમાન છે. આ સાથે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં માવઠું પડી શકે છે. પંચમહાલ અને દાહોદ, અરવલ્લીમાં પણ વરસી શકે આકાશી આફત આવશે. રાજ્યમાં 40 કિમીથી ઓછી ઝડપે પવન ફૂંકાશે. મનોરમા મોહન્તીએ વધુમાં જણાવ્યુ છે કે, આવતા 48 કલાક માટે તાપમાનમાં કોઇ મોટો ચેન્જ નહીં થાય.જે બાદ હવામાન બેથી ચાર ડિગ્રી વધી શકે છે.