બ્રેકીંગ@ગુજરાત: આજે અને કાલે રાજ્યનાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, જાણો એક જ ક્લિકે

 
Weather forecast

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં એક તરફ ગરમીનું પ્રમાણ વધી શકે છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કમોસમી વરસાદ આવવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 23 અને 24મી એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આ કમોસમી વરસાદના કારણે ફરી એક વાર ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. હવે ફરી જો દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે તો ખેડૂતોને રોવાનો વારો આવી શકે છે. 

રાજ્યમાં અત્યારે મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે. એટલે એક તરફ લોકો ભારે ગરમીમાં શેકાઈ રહ્યા છે અને બીજી તરફ વરસાદની આગાહીથી દક્ષિણ ગુજરાતના લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. આ પછી પાંચ દિવસે એટલે કે 26મી એપ્રિલે રાજ્યના દક્ષિણ ભાગમાં સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. 26મીએ હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે પરંતુ આ દરમિયાન તેજ પવન ફૂંકાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ધોરાજી પંથકના ખેડૂતો પર ફરી એકવાર કમોસમી વરસાદ આફત રૂપ બની ગયો છે. ગઈકાલે ધોરાજી પંથકમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. શિયાળુ અને ચોમાસું પાકમાં આકાશી આફતને કારણે ભારે નુકસાની ભોગવી ચૂકેલા ખેડૂતોને ફરીવાર કુદરતી માર તલ, અડદ, જુવાર અને મગફળીના ઉનાળુ પાકના વાવેતર પર માવઠું થતાં ભારે નુક્સાનની ભીતિ સેવાઇ રહી છે.