બ્રેકિંગ@ગુજરાત: આ વિસ્તારમાં 24 કલાક સુધી રહેશે વરસાદી માહોલ, હવામાને કરી મોટી આગાહી

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં હવામાનમાં આવેલા પલટાની અસર દેખાઈ રહી છે, પરંતુ આગામી 24 કલાક બાદ હવામાન સૂકું રહેવાની સંભાવના અમદાવાદના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે 24 કલાક બાદ ગુજરાતમાં હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ભરઉનાળે રાજ્યમાં વરસાદી વાતાવરણ ઊભું થતા સૌથી વધુ ખેડૂતો ચિંતિત છે. અગાઉ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં માર્ચ મહિના દરમિયાન વરસાદ થયા બાદ હવે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી 24 કલાકમાં ગુજરાતના દક્ષિણ ભાગમાં હળવા વરસાદની સાથે હળવી થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની સંભાવના છે. આવતીકાલથી હવામાન મોટાભાગે સૂકું રહેવાની સંભાવના છે. આજ પછી 4 દિવસ વરસાદ થવાની સંભાવના નથી.
સમગ્ર મામલે ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા અને દમણ તથા દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે તેમણે વીજળીના કડાકા થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.