ગેરરીતિ@રાજકોટ: મનરેગા અને ફોરેસ્ટનું સંયુક્ત કૌભાંડ? 7 લાખ ખર્ચ્યા છતાં લેબર ઝીરો, 2381 કામોમાં એલર્ટ

 
Rajkot

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

રાજકોટ જિલ્લામાં મનરેગાના કામોમાં પારદર્શકતા મુદ્દે ગંભીર સવાલો ઉભા થયેલા હોઇ વિગતો ઉંડાણપૂર્વક જોતાં ચોંકાવનારી સ્થિતિ બની છે. મનરેગાના નામે ખર્ચ કરેલા અનેક કામોમાં લેબર ખર્ચ ઝીરો છે અને મટીરીયલ ખર્ચ લાખો રૂપિયા છે. એમાં પણ કેટલાક કિસ્સામાં ફોરેસ્ટ અને મનરેગાના સંયુક્ત કામમાં ભ્રષ્ટાચારની પ્રબળ આશંકા મળી આવી છે. આ સાથે રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળના કુલ 2300 થી વધુ કામો એલર્ટ મોડ ઉપર હોવાનું સામે આવતાં રેડ ઝોનમાં રિપોર્ટ પહોંચી ગયો છે. 

Rajkot

સૌરાષ્ટ્રના કેન્દ્ર ગણાતાં રાજકોટ જિલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજનાનો ફરી એકવાર ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. 40 ટકા મટીરીયલ અને 60 ટકા લેબર ખર્ચનો રેશિયો વારંવાર તૂટી રહ્યો છે. જેમાં કોટડાસાંગાણી, જેતપુર અને ઉપલેટા તાલુકામાં તો 40:60 રેશિયો બાબતે ઉલટી પરિસ્થિતિ બની ગઈ છે. આટલુ જ નહિ, કન્વર્ઝન્સ હેઠળના કેટલાક કામોમાં પ્રથમ દ્રષ્ટિએ ભયંકર ભ્રષ્ટાચાર હોવાનું લાગી રહ્યું છે. જંગલ ખાતા અને મનરેગાએ સંયુક્ત રીતે કરેલ પ્લાન્ટેશનના કામમાં 7 લાખથી વધુ રૂપિયા એકમાત્ર મટીરીયલમાં ખર્ચી દીધા અને રોજગાર ગેરંટીમાં એટલે કે લેબરનો ખર્ચ ઝીરો છે. આવું કેવી રીતે બને કે, પ્લાન્ટેશનનુ કામ કરો અને એક રૂપિયો મજૂરી ખર્ચ ના થાય ❓

Rajkot

સૂત્રોએ જણાવ્યું હતું કે, ફોરેસ્ટવાળા સાથે ત્યારેજ મનરેગા જોડાય જ્યારે તેમાં લેબર ખર્ચ કરવાનો હોય. હવે જો લેબર ખર્ચ કરવાનો જ નથી તો મનરેગાને કન્વર્ઝન્સમાં કેમ સામેલ થવું પડ્યું અથવા સામેલ કેમ કર્યા ? આ બાબતે એવી પણ દલીલ થાય છે કે, ડેટા એન્ટ્રીમાં ભૂલ હોય પરંતુ આ દલીલ ખોટી છે. કેમ કે, ડેટા એન્ટ્રી વાળાએ બધી વિગતો ઓનલાઇન ભરી તો લેબર ખર્ચની વિગતો કેમ ટાળી ? આટલુ જ નહિ, કર્મચારી શું કામ કેટલીક વિગતો ઈરાદાપૂર્વક ટાળે ? આ તમામ સવાલો વચ્ચે રાજકોટ જિલ્લામાં મનરેગાના કામોની પારદર્શકતા વિરુદ્ધ શંકાસ્પદ સ્થિતિ બની છે.