ગંભીર@રાજકોટ: માતા-પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, આ કારણે ભર્યું આવું પગલું

 
Gondal Police Station

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટમાં ગોંડલના ગાયત્રી નગરમાં રહેતા માતા અને પુત્રએ વહેલી સવારે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન બંનેના મૃત્યુ થયા છે. એક જ દિવસમાં પરિવારના બે સભ્યોને ગુમાવવાના કારણે પીઠવા પરિવારમાં હાલ શોકનું મોજુ ફરી વળ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ ગોંડલ સીટી પોલીસને આપેલા નિવેદન મુજબ વિનોદચંદ્ર પીઠવાએ જણાવ્યું છે કે, ઘરના નિયત ક્રમ મુજબ સવારના સમયે ત્રણેવે ગરમ પાણીમાં આમળાનું જ્યુસનું સેવન કર્યુ હતુ. આજરોજ પોતે જ્યુસ પીને ઘરની અગાસી પર લટાર મારવા ગયા હતા. દરમિયાન થોડીવાર બાદ નીચે ઉતરીને જોતા પત્ની ભારતીબેન પીઠવા (ઉવ.70) અને પુત્ર મિરાજ પીઠવા (ઉવ.30) કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પ્રથમ પુત્ર મિરાજનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ માતાનું પણ મોત થતા પરિવારમાં હાલ શોકનું મોજુ ફરી વળ્યું છે.

ગોંડલના ગાયત્રી નગરમાં રહેતા વિનોદચંદ્ર પીઠવા અગાસી પરથી નીચે ઉતરતા ભારતીબહેન જમીન પર પટકાયેલી હાલતમાં જોવા મળ્યા હતા તેમ જ તેમના મોઢામાંથી ફીણ નીકળતા પુત્ર મિરાજને પણ અવાજ કરતા તે પણ દોડી આવ્યો હતો. પરંતુ મિરાજ પણ લથડીયા ખાતા બેશુદ્ધ થઈ જતા વિનોદચંદ્ર ગભરાઈ ગયા હતા. જેના કારણે તેઓએ બૂમાબૂમ કરી મુકતા પાડોશીઓ પણ એકઠા થયા હતા અને માતા પુત્રને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સવારે 10 વાગ્યે મિરાજે દમ તોડ્યો હતો જ્યારે કે સાંજે માતા ભારતીબહેને પણ પુત્ર પાછળ પોતાની આંખો મીચી લીધી હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં વિનોદચંદ્ર પરિવાર સાથે આફ્રિકાના દારેસલામમાં રહેતા હતા. જોકે છેલ્લા પાંચ વર્ષથી તેઓ પોતાના વતન ગોંડલ પરત ફર્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પુત્ર મીરાજે ધોરણ 12 સુધીનો અભ્યાસ આફ્રિકામાં કર્યો હતો. ભારતમાં પરત ફર્યા બાદ પુના કોલેજ ખાતે થોડો સમય તેને અભ્યાસ પણ કર્યો હતો પરંતુ કેન્સરની બીમારી થતા તે સતત ડિપ્રેશનમાં રહેતો હતો. જેના કારણે માતા-પિતા પણ મિરાજની તબિયતના કારણે ચિંતિત રહેતા હતા. ત્યારે સમગ્ર મામલે માતા અને પુત્રના મૃત્યુ મામલે ગોંડલ સીટી પોલીસ દ્વારા સીઆરપીસી 174 હેઠળ અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.