દુર્ઘટના@રાજકોટઃ સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત, 1 વિધાર્થિનીનું મોત, 8 લોકો ઘાયલ થયા

જસદણની એકલવ્ય સ્કૂલની વેનમાં ત્રણ જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. તેમજ સમગ્ર અકસ્માતની ઘટનામાં કુલ 8 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
 
rajkot

અટલ સમાચાર, ડેસ્ક


રાજકોટ જસદણ હાઈવે પર વધુ એક વખત અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જસદણ હનુમાન ખારચીયા ગામમાં થયેલા અકસ્માતની ઘટનામાં એક વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે કે, સમગ્ર ઘટનામાં નવ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 ઈમરજન્સી સેવા મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. 

આજે સવારે થયેલા અકસ્માતમાં મારુતિ વાન ખારાચીયા બાજુ આવતી હતી. જે સ્કુલ વાનમાં બાળકો ભરી વીરનગર તરફ જતા હતા. ખારચીયાની ગોળાઈ સામેથી આવતી એસન્ટ કાર સાથે મારુતિ વાન ધડાકાભેર અથડાઈ હતી. કાર રોડ નીચે ઉતરી ગઈ હતી. જેમાં ધોરણ પાંચની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જસદણની એકલવ્ય સ્કૂલની વેનમાં ત્રણ જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. તેમજ સમગ્ર અકસ્માતની ઘટનામાં કુલ 8 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

  અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

કારમાં ઘાયલ થયેલા ભોળાભાઈ રામાણી, ચંદ્રિકાબેન રામાણી, રામાણી દયાબેન, રામાણી શિલ્પાબેન એમ પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ સાથે ચાર લોકો વાનમાં ઇજાગ્રસ્ત થયા હતા જેમાં એક બાળકીનું મોત થયું હતું. ઘટનાસ્થળે 108ના પાયલોટ પુનિતભાઈ વ્યાસ ઇએમટી સુલય રાઠોડ જસદણની 108ના દેવાતભાઇ પાઈલોટ ટીએમટી દોડી ગયા હતા. ઇજા થતાં તમામને જસદણની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર મામલાની જાણ રાજકોટ ગ્રામ્ય પોલીસને થતાં પોલીસનો કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે પર દોડી ગયો હતો. અકસ્માતના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઇ હતી. ઘટના સ્થળ પર દોડી ગયેલી પોલીસે પ્રથમ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.  પીએમ ની પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ મૃતકની લાશને તેના પરિવારજનોને સોંપવામાં આવશે. તો બીજી તરફ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રાજકોટ જસદણ હાઈવે પર ગોઝારા અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. રાજકોટ જસદણ હાઈવે પર અનેક જગ્યાએ જરૂરિયાત મુજબ લાઇટિંગ પોલ ઉભા કરવામાં નથી આવ્યા તેના કારણે મોટાભાગના અકસ્માત રાત્રિના બન્યા હોવાનું અનેક વખત સામે આવી ચૂક્યું છે. ત્યારે આજ રોજ બનેલી ઘટનામાં એક માસૂમ નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.