રાજકોટઃ સાવકી માતા સાથે મળી તરુણે પોતાના જ પિતાની હત્યા કરી, અંતે પોલીસે ધરપકડ કરી

મૃતક રાકેશ અવારનવાર દારૂ પીને ઘરમાં માથાકૂટ કરતો હતો તેમજ સ્ત્રી મિત્ર આશા તેમજ પુત્રને સાથે પણ હાથાપાઈ કરતો હતો.
 
Crime (1)

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચર્ચાતી વાત મુજબ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન  વિસ્તારમાં સાવકી માતા સાથે મળીને તરુણે પોતાના જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે મૃતકના ભાઇ શેલૈષ અધિયારુએ મૃતક ભાઈ સાથે લિવઈન રિલેશનશીપમાં રહેતી આશાબેન નાનજીભાઈ ચૌહાણ નામની વ્યક્તિ વિરુદ્ધ IPCની કલમ 302 હેઠળ ગુનો નોંધાવ્યો છે. આ કેસમાં પોલીસ તપાસમાં મૃતકના દીકરાનો કોઈ રોલ સામે આવે છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

 રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મારુતિનગરમાં રાકેશભાઈ અધિયારુ  ને ત્રણ અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસીને સળગાવી દીધાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ભક્તિનગર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતા. જે બાદમાં જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, પોલીસન પ્રાથમિક તપાસમાં જે વિગત ખુલી છે તે જાણીને ચકચાર મચી જવા પામી છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ મૃતક રાકેશના અગાઉ લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેને સંતાનમાં બે પુત્રની પ્રાપ્તિ પણ થઈ હતી. વર્ષ 2006માં ખાખરા બનાવવાના કારખાનામાં રાકેશનો પરિચય આશા ચૌહાણ સાથે થયો હતો. ત્યારબાદ બંને એકબીજા સાથે લિવઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. બંનેની સાથે રાકેશનો એક પુત્ર પણ રહેતો હતો. મૃતક રાકેશ દારૂનો નશો કરવાની કુટેવ ધરાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. મૃતક રાકેશ અવારનવાર દારૂ પીને ઘરમાં માથાકૂટ કરતો હતો તેમજ સ્ત્રી મિત્ર આશા તેમજ પુત્રને સાથે પણ હાથાપાઈ કરતો હતો.

શુક્રવારે રાકેશ નશાની હાલતમાં ઘરે આવ્યો હતો અને ત્યારબાદ આશા અને પોતાના પુત્ર સાથે બોલાચાલી કરી હતી. રોજબરોજની માથાકુટથી કંટાળીને આશા અને પુત્રએ રાકેશની હત્યાનો પ્લાન ઘડી કાઢયો હતો. પ્લાન પ્રમાણે ઘરનું બારણું અંદરથી બંધ કરી રાકેશ નિંદ્રામાં હતો ત્યારે તેના પુત્રએ તેના પર કેરોસીન નાંખવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રાકેશ નિંદરમાંથી જાગી ગયો હતો. ત્યારબાદ તેણે પોતાના પુત્રના હાથમાં બચકું પણ ભરી લીધું હતું. પિતાએ પુત્રના હાથમાં બચકું ભરી લેતા પુત્ર રોષે ભરાયો હતો અને નજીકમાં પડેલો દોસ્તો ઉઠાવી પિતાનાના માથામાં મારી દીધો હતો. બાદમાં પુત્ર અને આશાએ મળીને રાકેશ પર કેરોસીન છાંટી આગ ચાંપી દીધી હતી.

 
થોડી ક્ષણોમાં રાકેશ ભડથું થઇ ગયો હતો. હત્યાનો આરોપ પોતાના પર ન આવે તે માટે રાકેશના પુત્ર તેમજ રાકેશની સ્ત્રી મિત્ર આશાએ એક અલગ સ્ટોરી ઊભી કરી દીધી હતી. કાવતરા મુજબ મૃતકના પુત્રએ મૃતકની સ્ત્રી મિત્ર આશાને દોરડાથી બાંધી દીધી હતી અને ઘરની બહાર નીકળીને પોતાના પિતાને ઘરમાં ઘૂસી ત્રણ અજાણ્યા શખ્સો સળગાવી ગયાની બૂમો પાડી હતી.
 

તરુણની ચીસો સાંભળીને આડોશ પાડોશના લોકો એકઠા થઇ ગયા હતા. તમામને આશા અને પુત્ર દ્વારા બનાવવામાં આવેલી સ્ટોરી સાચી લાગી હતી. જોકે, આશા અને રાકેશના પુત્રના પાપનો ભાંડો ગણતરીની મિનિટોમાં પોલીસ તપાસમાં ફૂટી ગયો હતો. મળતી માહિતી મુજબ રાકેશ બે પુત્ર અને એક પુત્રી સાથે મારુતિનગરમાં રહેતો હતો. તાજેતરમાં જ પુત્રએ ધોરણ-12 ની પરીક્ષા પણ આપી છે. જોકે, બોર્ડની પરીક્ષાનું પરિણામ આવે તે પહેલા તરુણ પિતાના હત્યા કેસમાં પોલીસ ચોપડે ચડી ગયો છે.મળતી માહિતી પ્રમાણે છેલ્લા 16 વર્ષથી રાકેશ અને તેની સ્ત્રી મિત્ર સાથે રહેતા હતા. રાકેશને અન્ય મહિલાઓ સાથે પણ સંબંધ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ જ કારણે રાકેશ અને તેની સ્ત્રી મિત્ર વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા.