રાજકોટઃ પૈસાની લેતી-દેતીમાં મિત્રએ જ મિત્રની ઘાતકી હત્યા કરતાં ચકચાર, પરિવારમાં માતમ છવાયો

અટલ સમાચાર, ડેસ્ક
રાજકોટ શહેરમાં બે દિવસ પૂર્વે માત્ર ચાર હજાર રૂપિયાની ઉઘરાણી મામલે યુવાનની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવાને સારવાર દરમિયાન દમ તોડતા હવે હત્યાના પ્રયાસની ઘટના હત્યામાં પલટાઈ છે. સમગ્ર મામલે માલવિયાનગર પોલીસ તરફથી હાર્દિકસિંહ જાડેજા તેમજ દીપ લાઠીયા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ ગુનાના કામે આઇપીસીની કલમ 307ની જગ્યાએ 302ની કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે મૃતક મૌલિક કાકડીયાએ હાર્દિકસિંહને ₹4,000 ઉછીના આપ્યા હતા. જે રૂપિયાની ઉઘરાણી કરતાં હાર્દિકસિંહ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના મિત્ર સાથે મળીને મૃતક પર તૂટી પડ્યો હતો.
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
રાજકોટ શહેરના અમીન માર્ગ પર બુધવારના રોજ સાંજના સમયે હાર્દિકસિંહ જાડેજા તેમજ દીપ લાખિયા નામના શખ્સો દ્વારા મૌલિક કાકડીયા નામના યુવાનને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલાની જાણ માલવીયાનગર પોલીસને થતા માલવીયા નગર પોલીસનો પીઆઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
ઘટના સ્થળ પર દોડી ગયેલી પોલીસે તાત્કાલિક અસરથી આરોપીઓને પોતાના સકંજામાં લીધા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનના પિતાની ફરિયાદના આધારે પોલીસે હાર્દિકસિંહ જાડેજા તેમજ દીપ લાઠીયા વિરુદ્ધ આઈપીસીની કલમ 307, 326, 323, 324, 504, 188 તેમજ 114 હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ સમગ્ર મામલે ઇજાગ્રસ્ત યુવાન મૌલિક ચંદુભાઈ કાકડીયાને સારવાર અર્થે રાજકોટ શહેરની વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બે દિવસ ચાલેલી સારવાર બાદ મૌલિક કાકડીયાએ હોસ્પિટલના બિછાને દમ તોડ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે પણ ફરિયાદમાં 307ની જગ્યાએ 302ની કલમનો ઉમેરો કર્યો છે.
પોલીસનું નિવેદન : પોલીસના જણાવ્યા અનુસાર હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા અગાઉ રાજકોટ શહેરમાં બે જેટલા ગુનાના કામે પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. તેમજ તેના વિરુદ્ધ જૂનાગઢના મેંદરડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે.મૃતકે આરોપીને ઉછીના પૈસા આપ્યા હતા : મળતી માહિતી પ્રમાણે મૃતક મૌલિક કાકડીયાએ હાર્દિકસિંહને ₹4,000 ઉછીના આપ્યા હતા. જે રૂપિયાની ઉઘરાણી કરતાં હાર્દિકસિંહ ઉશ્કેરાઈ ગયો હતો. હાર્દિકે તેના મિત્ર દીપ લાઠીયા સાથે મળી મૌલિક અને તેના મિત્રને ગાળો ભાંડી હતી તેમજ મૌલિકને છરી મારી દીધી હતી.