દુર્ઘટના@રાજકોટઃ સિમેન્ટની ફેક્ટરીમાં 3 શ્રમિક યુવાનોના મોત થતાં પરિવારમાં માતમ
accident nnm

અટલ સમાચાર, ડેસ્ક


ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર આવેલી હાઇ-બોન્ડ સિમેન્ટની ફેકટરીમાં દુર્ઘટના સર્જાઈ છે. દુર્ઘટનામાં ત્રણ જેટલા શ્રમિક યુવાનોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં તાત્કાલિક રાજકોટ ગ્રામ્ય પોલીસનો  કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ તમામ મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલ-જેતપુર નેશનલ હાઇવે ગોમટા ચોકડી પાસે આવેલી હાઈ બોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટનામાં આશિષ હમીર ભાઈ સોલંકી, રાહુલ જસાભાઈ પંપાણિયા, અમર શિવધારા ભાઈ વિશ્વકર્માનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય યુવાનો વહેલી સવારે ચાર વાગ્યે કેમિકલની બેંકમાં વેલ્ડીંગ કામ કરી રહ્યા હતા. તે સમયે દુર્ઘટના સર્જાઇ હતી. દુર્ઘટના ઘટીત થતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવાનોને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં જ એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે કે ત્રીજા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું સામે આવ્યું છે. જોકે હજુ સુધી કંપની તરફથી સમગ્ર ઘટના અંગે કોઇ સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપવામાં નથી આવી. તેમજ પોલીસ દ્વારા પણ સમગ્ર મામલે હજુ સુધી કોઇ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી.