ચૂંટણી@ગુજરાત: PM મોદી ફરી આવશે વતનમાં, આ જીલ્લામાં દોઢ લાખની જનમેદનીને સંબોધશે

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામશે. આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી પણ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના નેતાઓ સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના મહેમાન બનવા જઈ રહ્યા છે. તેઓ આગામી 19 ઓક્ટોબરના રોજ ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 ઓક્ટોબરના રોજ રાજકોટની મુલાકાત લેવાના છે. રાજકોટવાસીઓ PM મોદીને આવકારવા માટે આતુર બન્યા છે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભાને સંબોધશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકોટ ખાતે રોડ શૉ પણ યોજાશે. પીએમ મોદીના પ્રવાસને લઈને મનપા,જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપના અગ્રણી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
રાજકોટ જીતવા PM મોદી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. જામકંડોરણા બાદ હવે રેસકોર્સમાં વડાપ્રધાનની જનસભા યોજાવા જઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે છે કે, પીએમ મોદીની આ જનસભામાં 1.5 લાખથી વધારે લોકો હાજર રહી શકે છે. રાજકોટમાં PM મોદી 5400 હજાર કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ એરપોર્ટથી રેસકોર્ષ સુધી PM મોદીનો રોડ શો યોજાશે. તદુપરાંત PM મોદી રાજકોટવાસીઓને મોટી ભેટ પણ આપશે. PM મોદી રાજકોટમાં રૂ. 5400 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે. ત્યારે PM મોદીના કાર્યક્રમને લઈને રાજકોટમાં તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ છે.