રાજકોટઃ છેલ્લા 4 વર્ષથી પરીક્ષાની તૈયારી કરી રહેલ યુવકને સફળતા ના મળતા ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક
ગોંડલના કમરકોટડા ગામે આશાસ્પદ યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. મૃતકનું નામ જયેશ સરવૈયા હતું અને તેમની ઉંમર 22 વર્ષની હતી. કોમ્પિટીટીવ એક્ઝામમાં નાપાસ થતા ગળા ફાંસો ખાઈ લીધો હોવાની વાત સામે આવી છે. મૃતક યુવાને અઢી પાનાંની સુસાઇડ નોટ પણ લખી છે. યુવાન છેલ્લા 4 વર્ષથી કોમ્પેટીટીવ એક્ઝામ આપી રહ્યો હતો જો કે તેમા સફળતા ન મળતા તેમણે આ પગલું ભર્યું હતું. યુવાનના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. યુવાને સુસાઇડ નોટ પિતાને સંબોધન કરીને લખી. સુસાઇડ નોટમાં લખ્યું સતત નિષ્ફળતાને કારણે આ પગલું ભરું છું. પિતા અને ભાઈ બહેનને પણ સોરી કહ્યું. પરિવાર પર બોજ બનવા માંગતો નથી.
તો બીજી તરફ યુવાનની આત્મહત્યા બાબતે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણીએ બેરોજગારી અંગે સરકાર પર પ્રહાર કર્યા છે. મેવાણીએ કહ્યું કે, ગોંડલના યુવાને લખેલી સુસાઈડ નોટ હ્યદયદ્રાવક છે. આ આત્મહત્યા નથી રાજ્ય સરકારે કરેલી હત્યા છે. ગુજરાત અને દેશમાં બેરોજગારી વધતી જાય છે. પરીક્ષા ક્યારે યોજાશે તેના ઠેકાણા નથી, તેવું લખીને આત્મહત્યા કરી છે. ગુજરાતમાં મનરેગાના 3.5 કર્મચારીઓ 25 દિવસથી હડતાળ પર છે. આ હડતાળના કારણે જોબકાર્ડ ધારકોને રોજગારી નથી મળી. મેવાણીએ સવાલ કર્યો કે, વાયબ્રન્ટ ગુજરાતમાં જે વિદેશી રોકાણની વાતો કરો છો, તેમાંથી કેટલી રોજગારી મળી? રાજ્ય સરકાર ખાલી પડેલા સરકારી પદો જાહેર નથી કરતી. GODCના યુનિટ ભૂતકાળમાં બન્યા બાદ નવા નથી બન્યા. અગ્નિપથ યોજનાના કારણે 15 લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા 7 વર્ષમાં 25 હજાર લોકોએ શિક્ષણ અને રોજગારી માટે જીવ ગુમાવ્યા છે. કોંગ્રેસ પક્ષના આગેવાનો 1લી તારીખે જયેશ સરવૈયાના પરિવારને સાંત્વના પાઠવવા જશે તેમ મેવાણીએ જણાવ્યું હતું.
જયેશ સરવૈયાની આત્મહત્યા અંગે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ નિવેદન આપ્યું છે. સરકાર ખાસ શિડ્યુલ કાસ્ટના યુવાનોને અન્યાય કરે છે. વિધાનસભામાં સરકારે આપેલા આંકડા મુજબ સરકારી પદો ખાલી છે. આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાકટના નામે નોકરીનો અધિકાર સરકાર છીનવી રહી છે. જયેશ સરવૈયાની બહેનને સરકાર નોકરી અને સરકારી સહાય આપે. સરકારે તાત્કાલિક કેલેન્ડર મુજબ સરકારી પદો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરે તેવી માગ પરમારે કરી છે.