રાજકોટઃ હિટ એન્ડ રનનો બનાવ, ફૂટપાથ પર બેઠેલા બે વ્યક્તિને કારે કચડી નાખ્યા, એકનું મોત

જ્યારે અન્ય એક યુવાનને વધુ સારવાર માટે જૂનાગઢ બાદ રાજકોટ ખસેડાયો છે. સારવાર દરમિયાન નિખિલ દિનેશ ભાઈ ઘેલાણીનું મૃત્યું થયું છે
 
રાજકોટ

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં બે લોકોને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે જેતપુરના નકલંક આશ્રમ રોડ ખાતે આ અકસ્માત બન્યો હતો. બનાવ બાદ પોલીસે કાર ચાલક યુવાનની ધરપકડ કરી છે. કાર ચાલક ફૂટ સ્પીડમાં કાર ચલાવી રહ્યો હોવાની માહિતી મળી છે. તાજા માહિતી પ્રમાણે અકસ્માતનો ભોગ બનેલા એક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યું થયું છે. જ્યારે અન્ય એક યુવાનને વધુ સારવાર માટે જૂનાગઢ બાદ રાજકોટ ખસેડાયો છે. સારવાર દરમિયાન નિખિલ દિનેશ ભાઈ ઘેલાણીનું મૃત્યું થયું છે

બે લોકો સારવાર માટે દાખલ: પ્રાપ્ત વિગત પ્રમાણે જેતપુરના નકલંક આશ્રમ રોડ પર ફૂટપાથ પર બેઠેલા બે વ્યક્તિને એક કાર ચાલકે કચડી નાખ્યા હતા. કાર ફૂલ સ્પીડમાં આવી રહી હતી. ચાલકે પહેલા બે બાઇકને ટક્કર મારી હતી, બાદમાં ફૂટપાથ પર બેઠેલા બે વ્યક્તિઓને કચડી નાખ્યા હતા. કારની સ્પીડ એટલી હતી કે અકસ્માત બાદ તે બાજુના ખેતરમાં પલટી મારી ગઈ હતી. બનાવ બાદ પોલીસ કાર ચાલક યુવકની ધરપકડ કરી છે. બીજી તરફ ગંભીર રીતે ઘાયલ બંને યુવકોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

યુવાનોને સારવાર માટે જૂનાગઢ ખસેડાયા: ઈજાગ્રસ્ત યુવકોના નામ નિખિલ દિનેશભાઇ ઘેલાણી (ઉં.વ. 23) અને હાર્નીસ રાજેશ કુમાર મેર (ઉં.વ. 24) છે. બંનેને પહેલા સારવાર માટે જેતપુરની સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાથી બાદમાં બંનેને વધારે સારી સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા. જૂનાગઢ ખાતે સારવાર દરમિયાન નિખિલ ઘેલાણીનું મોત થયું છે. જ્યારે હાર્નીસને વધારે સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

અકસ્માત એટલો ગંભીર હતો કે કારને પણ ખૂબ નુકસાન થયું છે. કારના આગળના ભાગના ફૂરચા ઉડી ગયા હતા. બનાવ બાદ રાત્રે લોકો એકઠા થયા હતા અને ઘાયલોને 108ની મદદથી સારવાર માટે ખસેડ્યા હતા.