રાજકોટઃ પાડોશીએ સતત ઘરનો ડોર બેલ વગાડતા, આરોપીની ઊંઘમાં ખલેલ પહોંચતા હત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક
રંગીલા રાજકોટ શહેરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. પાડોશમાં રહેતા કિરીટભાઈની હત્યા તેના જ પાડોશમાં રહેતા મોન્ટુ નામના ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સે કરી છે. સમગ્ર મામલે ગણતરીની કલાકોમાં ગાંધીગ્રામ પોલીસેહત્યાના આરોપી મોન્ટુની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં કિરીટભાઈની હત્યા મામલે ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. જે જાણીને આપ પણ ચોંકી જશો. આ કેસમાં ધરપકડ કરવામાં આવેલો આરોપી પહેલા પણ હત્યા કેસમાં જેલની વા ખાઈ ચૂક્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાગેશ્વરમાં હત્યાના પ્રયાસનો બનાવ સામે આવ્યો હતો. પ્રારંભિક તબક્કામાં ગાંધીગ્રામ પોલીસે કિરીટ ભાઈને ગંભીર ઈજા પહોચવાના કારણે આરોપી મોન્ટુ વિરૂદ્ધ IPCની કલમ 307 તેમજ જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. બાદમાં સારવાર દરમિયાન કિરીટભાઈનું મૃત્યુ થતા બનાવ હત્યાના પ્રયાસમાંથી હત્યામાં પલટાયો હતો.
આરોપી મોન્ટુએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું છે કે, તે અને મૃતક એકબીજાના પરિચિત હતા. કિરીટભાઈ અવારનવાર મારા ઘરે આવતા હતા. મારી સાથે ધાર્મિક પુસ્તક તેમજ સત્સંગની વાતો કરતા હતા. ઘણી વખત મને કિરીટભાઈની સત્સંગી વાતોથી કંટાળો પણ આવતો હતો."
આરોપીએ વધુમાં જણાવ્યુ હતુ કે, "શનિવારના રોજ હું ગાઢ નિંદ્રામાં હતો ત્યારે કિરીટભાઈ મારા ઘરે આવ્યા હતાં. ઘરે આવ્યા બાદ તેઓ સતત ડોર બેલ વગાડતા હતા. જેના કારણે મારી ઊંઘમાં ખલેલ પહોંચી હતી. જેથી મને ગુસ્સો આવ્યો હતો. ત્યારબાદ મે પાવડાનો હાથો લઈ કિરીટભાઈ તરફ દોડી તેમને હાથો ફ્ટકાર્યો હતો. હાથો માથા અને હાથ પગના ભાગે મારતા તેમને ગંભીર ઈજા પણ પહોંચી હતી. જેના કારણે તેમને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું."