રાજકોટઃ ત્રણ નરાધમોએ સગીરા પર વારાફરતી દુષ્કર્મ આચર્યું, અંતે પોલીસ ફરિયાદ

અટલ સમાચાર, ડેસ્ક
રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક સગીરા ત્રણ હેવાનોની વાસનાનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાની જાણ ગોંડલ પોલીસને થતાં તાત્કાલિક અસરથી ગોંડલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આ કેસમાં વધારે તપાસ કરી રહી છે. ગોંડલના ઉમરાળા રોડ પર એકાંત માળી રહેલા પ્રેમી યુગલ પર ત્રણ જેટલા હેવાનોની નજર પડી હતી. જે બાદમાં ત્રણેય હેવાનોએ પોતાની કામ વાસના સંતોષવા માટે સગીરાને પોતાનો શિકાર બનાવવાનું નક્કી કર્યું હતું. જે બાદમાં ત્રણેયએ તેના પ્રેમીને છરીની અણીએ બાનમાં રાખ્યો હતો અને સગીરા પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના ચોરડી દરવાજા પાસે રહેતો પ્રતીક પિત્રોડા નામનો યુવાન પોતાની સગીર વયની પ્રેમિકા સાથે ઉમરાળા રોડ પર એકાંત માણી રહ્યો હતો. આ સમયે અજય નાથ, દિનેશ નાથ તેમજ મુકેશ નાથ સહિતના ત્રણ શખ્સો મોટર સાઇકલ પર સવાર થઈને નીકળ્યા હતા. પ્રેમી યુવલ કંઇ સમજે તે પૂર્વે જ ત્રણેય શખ્સોએ યુવક સાથે મારઝૂડ કરી હતી.
ત્રણેયએ યુવકને છરીની અણીએ ગોંધી રાખ્યો હતો અને ત્યાર બાદ સગીરાને 300 મીટર દૂર ઢસડી જઈ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. સમાજમાં આબરૂ જવાની બીકે તેમજ નામ જાહેર થશે તેમજ બદનામી થશે તેવા ડરથી તરુણી તેમજ તેના પરિવારજનો પોલીસ ફરિયાદ કરવા માગતા ન હતા. જોકે, પોલીસે સમજાવ્યા બાદ તરૂણીના પરિવારે ફરિયાદ દાખલ કરાવી હતી. જે બાદમાં પોલીસે તાત્કાલિક અસરથી ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે.
સમગ્ર ઘટનામાં યુવકે હિંમત ન હારતાં ગોંડલ સિટી પોલીસને જાણ કરી હતી. યુવાને પોલીસને જાણ કરતાની સાથે જ પોલીસે ત્રણેય શખ્સોને ઉમરાળા રોડ પાસેથી ઝડપી લઇ ધરપકડ સહિતની કાર્યવાહી કરી હતી. આ ઘટના પરથી સમાજ અને પ્રેમી યુગલોએ પણ બોધપાઠ લેવાની જરૂર છે. કારણ કે પ્રેમી યુગલો અનેક વખત એકાંત માણવા માટે અવાવરું જગ્યાઓ પર જતા હોય છે. આ જ કારણે ક્યારે લૂંટ અને બળાત્કારની ઘટનાઓ બનતી હોય છે.