રાજકોટઃ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી, 59 બોટલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ
haopital

અટલ સમાચાર, ડેસ્ક


રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા એમ્બ્યુલન્સમાં થતી દારૂની હેરાફેરીને ઝડપી પાડવામાં આવી છે. પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા દારૂની 59 બોટલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસે એમ્બ્યુલન્સ કાર ચલાવનાર વિજયભાઈ વાઘેલા, દારૂ મંગાવનાર સુરેશભાઈ જીતીયા તેમજ નરેશ ઉર્ફે નટુભાઈ જીતીયાની ધરપકડ કરી છે. તેમજ દારૂ મોકલનાર સુરેન્દ્રનગરના ચાપરાજ કાઠીની શોધખોળ શરૂ કરી છે.

ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ડીસીપી ક્રાઇમ પાર્થરાજ સિંહ ગોહિલ દ્વારા ગેરકાયદેસર ભારતીય તેમજ વિદેશી બનાવટના દારૂના ખરીદ વેચાણની પ્રવૃત્તિઓ ડામવા સંબંધે આદેશ આપવામાં આવ્યા છે. જે સંબંધે પીએસઆઇ કેડી પટેલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે, સદભાવના હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. જે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવતા સદભાવના હોસ્પિટલની એમ્બ્યુલન્સ સોખડા ચોકડી પાસે પસાર થઈ રહી હતી. તે સમયે રેડ કરતા એમ્બ્યુલન્સ માંથી 59 દારૂની બોટલો મળી આવી છે. એમ્બ્યુલન્સ ચાલક વિજયભાઈ ટાભાભાઈ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે. તેમજ દારૂ મંગાવનાર સુરેશ જીતીયા તેમજ નરેશ ઉર્ફે નટુ જીતીયાની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછમાં દારૂ સુરેન્દ્રનગરના ચાપરાજ કાઠી દ્વારા મોકલાવવામાં આવ્યો હતો. ત્યારે હાલ પોલીસ દ્વારા ચાપરાજ કાઠીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

પોલીસ દ્વારા હાલ એમ્બ્યુલન્સ કાર તેમજ 59 દારૂની બોટલ સહિતના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓની વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે કે તેઓ આ ગેરકાયદેસર દારૂની હેરાફેરી સાથે કેટલા સમયથી સંકળાયેલા છે. રાજકોટ શહેરમાં ઘુસાડવામાં આવેલ આ દારૂનો જથ્થો કોને સપ્લાય કરવાના હતા. અગાઉ રાજકોટ શહેરમાં કોને કોને દારૂનો જથ્થો સપ્લાય કર્યો છે. તેમજ અગાઉ કોઈ અન્ય વ્યક્તિ પાસેથી દારૂ મંગાવ્યો છે કે કેમ તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે. તેમજ એમ્બ્યુલન્સ કાર નો ઉપયોગ અગાઉ દારૂની હેરાફેરીમાં કરવામાં આવ્યો છે કે કેમ તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે.