પ્રવાસઃ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવશે, જાણો તેમનો કાર્યક્રમ
Pm-Modi-

અટલ સમાચાર, ડેસ્ક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંને ગુજરાતના પ્રવાસે આવનાર છે. પીએમ મોદી રાજકોટના આટકોટમાં બની રહેલી હોસ્પિટલના લોકર્પણ કરવાના છે. ત્યારે આટકોટમાં PMના કાર્યક્રમને લઈને ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. રાજકોટ-ભાવનગર હાઇવે પર શનિવારે સવારે 6 થી બપોરે 3 ટ્રાફિક ડાઈવર્ટ રહેશે. ST સિવાયના ભારે તથા કોમર્શિયલ વાહનો, ખાનગી ટ્રાવેલ્સ માટે ડાઈવર્ટ રૂટનું જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. 

આટકોટમાં આગામી 28 તારીખે પીએમના આગમનને લઈને ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ દ્વારા વાહનો ચાલકોને રૂટ ડાયવર્ટ કરવા માટેનુ જાહેરનામુ બહાર પાડવાાં આવ્યુ છે. જેમાં મોટા વાહનો, ભારે વાહનો, ખાનગી ટ્રાવેલ્સ, કોમર્શિયલ વાહનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે તેવુ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે જણાવ્યુ. 

આ વિકલ્પોનો ઉપયોગ કરવો
◆ ગોંડલથી ભાવનગર તરફ જતો ટ્રાફિક મોટા દડવા, કાનપર, સાણથલી, વાસાવડ, બાબરા થઈ ભાવનગર તરફ ડાયવર્ટ
◆ રાજકોટથી ભાવનગર જવા સરધારથી, ભાડલા, કમળાપૂર, જસદણ, ખાનપર, બાબરા થઈ ભાવનગર જઈ શકાશે
◆ વીંછીયાથી ગોંડલ તરફ જવા માટે કડુકા, કમળાપુર, ભાડલા, સરધાર, કોટડાસાંગાણી થઈ ગોંડલ જવાશે

રાજકોટના જસદણના આટકોટમાં કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યલિટી હોસ્પિટલનું 28 તારીખે પ્રધાનમંત્રી લોકાર્પણ કરશે. 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ હોસ્પિટલ વિશે તેના મેનેજીંગ ટ્રસ્ટી અને ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરાએ જણાવ્યુ કે, સૌરાષ્ટ્રને આરોગ્ય ક્ષેત્રે મોટી ભેટ કહી શકાય. જેમાં કેન્સર, ડાયાલિસીસ સહિત ગંભીર બીમારીઓની સારવાર કરવા માટેની સુવિધા હશે. માત્ર જસદણ જ નહીં અમરેલી અને ભાવનગર જિલ્લાના દર્દીઓને પણ તેમાં સારવાર મળશે. પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં બાળકો માટે NICUની પણ ખાસ સુવિધા છે. આધુનિક ટેકનોલોજી થી સજ્જ ઓપરેશન થિયેટર છે. 

આ હોસ્પિટલમાં આયુષમાન ભારત કાર્ડથી પણ સારવાર આપવામાં આવશે. આયુષ્યમાન કાર્ડ ન હોઈ તો કાર્ડ પણ કાઢી આપવામાં આવશે. ગરીબ દર્દીઓને સારવાર મળી રહે તેવો પ્રયાસ કરાશે. જેની પાસે આરોગ્ય માટેના કાર્ડ નહિ હોય તો પણ સારવાર કરવામાં આવશે. જે ગરીબ દર્દી પાસે રૂપિયા નહિ હોય તો પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તેનો ખર્ચો ઉપાડશે. દર વર્ષે આ હોસ્પિટલ ચલાવવા પાછળ 1 કરોડનો ખર્ચ થશે. આ હોસ્પિટલથી સૌરાષ્ટ્રમાં આરોગ્યના નામે નવો ઇતિહાસ રચાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ પ્રવાસને લઈને લોકોમાં ઉત્સાહ છે. જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહેશે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત રાજ્ય સરકારનું મંત્રી મંડળ ઉપસ્થિત રહેશે. 

પીએમનું 28 મેનું શિડ્યુલ 
સવારે 9.30 વાગ્યે રાજકોટ પહોંચશે. જેમાં આટકોટમાં નવી બનેલી હોસ્પિટલનું લોકાર્પણ અને જંગી જનસભાને સંબોધન કરશે
બપોરે 12.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે 
સાંજે 4 વાગ્યા સુધી રાજભવનમાં રોકાણ કરશે
સાંજે 4.30 કલાકે મહાત્મા મંદિરમાં સહકાર સંમેલનને સંબોધન કરશે 
સહકાર સંમેલન બાદ પીએમ મોદી અમદાવાદ થી દિલ્લી જવા રવાના થશે

સૌરાષ્ટ્રભરમાંથી 3 લાખ કરતા વધુ લોકો લોકાર્પણ કર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જેના માટે 500 વીધા જમીનમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાઈ છે. સભા સ્થળની આસપાસ અને નજીક પાર્કિંગ વ્યવસ્થા મૂકાઈ છે. કાર્યક્રમ માટે 600×1200 ફૂટનો વિશાળ મુખ્ય ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. તો જાહેર જનતાને બેસવા માટે અલગ અલગ 4 ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરાંત 4 હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે. 1500 જેટલા સ્વંમ સેવકો પાર્કિંગમાં અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે સેવા આપશે. 2000 સ્વંમ સેવકો બેઠક વ્યવસ્થામાં ખડેપગે ઉભા રહેશે.