રાજકોટઃ ઘરે પરત ફરી રહેલા 2 યુવકોને કાળમુખી કારે બાઇકને ટક્કર મારતા કમકમાટીભર્યા મોત

અટલ સમાચાર, ડેસ્ક
રાજકોટ જિલ્લામાં કાળમુખો બન્યો હોય તે પ્રમાણે એક બાદ એક બે અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં હાઈ બોન્ડ સિમેન્ટ નામની ફેકટરીમાં દુર્ઘટના સર્જાતા ત્રણ જેટલા શ્રમિકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે બીજી તરફ સોમવારે મોડી રાત્રે આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે. જેમાં બે યુવકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે બંને આશાસ્પદ પાટીદાર યુવાનોના મૃતદેહો ઘરે પહોંચતા પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર જસદણના વિરનગર ગામના બે પાટીદાર યુવાનો પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ સમયે એક કાળમુખી કારે ટક્કર મારતા જૈમિન બરવાળીયા તેમજ ફેનીલ પરસાણા નામના યુવાનોનું મોત નિપજયુ હોવાનું સામે આવ્યું છે. બંને યુવાનો એકટીવા પર સવાર થઇને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.ત્યારે આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં કાળમુખી કારે એક્ટિવાને અડફેટે લેતા જૈમિન બરવાળીયા નામના એક 21 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે કે ફેનીલ પરસાણા નામના 20 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
અકસ્માતની ઘટનાને અંજામ આપ્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હોવાનું પણ પોલીસ દ્વારા જાણવા મળ્યું છે. સમગ્ર મામલાની જાણ આટકોટ પોલીસને થતાં આટકોટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરાયા બાદ બને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા સભ્યોના નિવેદનના આધારે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.
ત્યારે બે આશાસ્પદ પાટીદાર યુવાનોનાં મોતના સમાચારથી વીરનગર સહિત જસદણ પંથકમાં ગમગીનીનો માહોલ છવાઇ ગયો છે. ત્યારે ઘટનાને અંજામ આપનાર કારચાલક કેટલા સમયમાં પોલીસના સકંજામાં આવી જાય છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.