રાજકોટઃ કૌટુંબિક જમીનમાં શેઢા બાબતે ઘણા વર્ષોથી ચાલતી તકરારમાં, ઇસમોએ પિતા-પુત્રને મારી નાખ્યા
aaropi

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સરધારના હરીપર રોડ પરથી એક યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. તો સાથે જ લાશની પાસેથી બેથી ત્રણ વર્ષનો માસુમ પણ ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જે બાળકનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. સમગ્ર મામલાની જાણ આજીડેમ પોલીસને થતાં પોલીસનો કાફલો તેમજ એસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ અને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલીક અસરથી માસૂમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે કે સ્થાનિક પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

હત્યા બાબતની તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી છે તે મૂળ મધ્ય પ્રદેશના વતની અને છેલ્લા બે વર્ષથી સરધાર ગામ ખાતે ખેત મજૂરી કરી રહેલા 23 વર્ષીય વિરસિંગ સિંગાળની છે. વિરસિંગ તેમજ તેના કૌટુંબિક પરિજનો છેલ્લા કેટલાય વર્ષોથી સરદાર સહિતના આસપાસના ગામડામાં ખેત મજૂરી કરી રહ્યા છે. ત્યારે પોલીસે વિરસિંગ ના પરિજનો ની તપાસ હાથ ધરી હતી. જે તપાસમાં બે જેટલા શખ્સો મિસિંગ હતા. જેથી પોલીસને શંકા મિસિંગ રહેલા શખ્સો પર ગઈ હતી. તે બાબતની તપાસ કરતા બાબરા પોલીસની મદદથી રાજકોટ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડયા છે.


આરોપીઓએ પોલીસની પૂછપરછમાં મધ્યપ્રદેશ ખાતે આવેલ કૌટુંબિક જમીનમાં શેઢા બાબતે ઘણા વર્ષોથી તકરાર ચાલતી હોય. જે બાબતનો કાયમી નીવાડો આવે તે માટે વિરસિંગને મારી નાખવાનું કાવતરું રચ્યું હતું. ત્યારે વિરસિંગ પોતાના પુત્ર સચિનને લઈ સાઇકલ પર જઈ રહ્યો હતો. ત્યારે સરધાર હરીપર રોડ પર તેને રોકી પથ્થરના ઘા ઝીંકી તેની હત્યા નિપજાવવામાં આવી હતી. તો સાથે જ બંને ક્રૂર ભાઈઓ દ્વારા વીરસિંગના પુત્ર સચિનને પણ ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. જેનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે.