ઘટના@રાજકોટઃ 22 વર્ષના નરાધમે 12 વર્ષની બાળકી સાથે મિત્રતા કેળવી દુષ્કર્મ આચર્યુ

અટલ સમાચાર, ડેસ્ક
રાજકોટના ઉપલેટામાં 12 વર્ષની બાળકીને પ્રેમજાળમાં ફસાવીને મુકેશ ભરતભાઈ સોલંકી નામના યુવકે દુષ્કર્મ ગુજાર્યું છે. આ અંગેની ફરિયાદ ઉપલેટા પોલીસ મથકમાં નોંધાઇ છે. આ કેસમાં પોલીસે 22 વર્ષના યુવક મુકેશને ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, સુરતમાં ગઇકાલે ગુરૂવારે જ 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
આરોપી મુકેશ વડલી ચોક નજીક ચાની હોટલમાં કામ કરે છે. જ્યાં કામ કરતા તેની નજર 12 વર્ષની બાળકી પર બગડી હતી. બાળકીને પોતાની વાતોમાં ફસાવીને તેની સાથે મિત્રતા કેળવી હતી. તે બાળકીને ચોકલેટ, નાસ્તો કરાવતો હતો. જેથી બાળકી આ નરાધમની વાતોમાં આવીને તેના પરિવારનો મોબાઇલ નંબર લઇને તેની સાથે સંપર્કમાં રહેતો હતો. આ દીકરી ટ્યુશનમાં જાય તો ત્યાં પણ તેને મળતો હતો. બાળકી ગઇકાલે સાંજે ચારથી છ ટ્યુશનમાં ગઇ હતી પરંતુ ત્યાંથી ઘરે સમયસર પાછી આવી ન હતી. જેના કારણે પરિવારજનો ચિંતામાં આવી જઇને બાળકીને શોધવા લાગ્યા હતા. જે બાદ દીકરી ન મળતા પોલીસમાં પણ જાણ કરી હતી.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાતે 9 વાગ્યાની આસપાસ આરોપી મુકેશ બાળકીને બાઇક પર તેના ઘર પાસે મુકીને ભાગી ગયો હતો. દીકરીને જોતા પરિવારને હાશકારો થયો હતો. જે બાદ દીકરીને પૂછયું કે કેમ મોડું થયું. ત્યારે દીકરી રડી પડી હતી અને આપવીતી સંભળાવી હતી. જે સાંભળતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. પરંતુ પરિવારે હિંમત રાખીને આ અંગેની પોલીસમાં જાણ કરી હતી.
પોલીસને જાણ કરાતા ઘટનાની ગંભીરતા જોઇને આ અંગેનો ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડ્યો હતો. જે બાદ કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપીના રિમાન્ડ લેવાની પણ તજવીજ હાથ ધરી છે.