શક્યતા@રાજકોટ: હવે ખંઢેરી સ્ટેડિયમનું નામ બદલાશે? જાણો કોના નામથી ઓળખાશે આ સ્ટેડિયમ ?
અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદના મોટેરામાં આવેલ ક્રિકેટના મેદાનને વલ્લભભાઈ પટેલનું નામ આપવામાં આવ્યું હતું. પરંતુ આ સ્ટેડિયમને રિનેવેટ કર્યા બાદ તેને દુનિયાનું સૌથી મોટું ક્રિકેટનું મેદાન બનાવવામાં આવ્યું અને તે સાથે તેનું નામ સરદાર પટેલ સ્ટેડિયમથી બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું તે રીતે હવે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમનું નામ બદલવા માટેની રજૂઆત કરવામાં આવી છે. આ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયા બાદ તેની રજૂઆત BCCI સમક્ષ કરાશે અને તેના આધારે નામ બદલવામાં આવી શકે છે.
રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમનું નામ BCCIના પૂર્વ ચેરમેન નિરંજન શાહનું નામ સ્ટેડિયમને આપવા માટેની રજૂઆત કરવામાં આવી છે. આ બદલાવ પછી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમથી બદલીને નિરંજન શાહ સ્ટેડિયમથી ઓળખાઈ શકે છે. જોકે, નામ બદલવા માટે પ્રારંભિક પગલું ભરવામાં આવ્યું છે.
79 વર્ષના નિરંજન શાહ BCCIના ચેરમેન રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ વેસ્ટ ઝોનના BCCIના વાઈસ પ્રેસિડેન્ટ તથા IPLના વાઈસ ચેરમેન પણ રહી ચૂક્યા છે. આ સિવાય પણ દેશમાં ક્રિકેટના ક્ષેત્રમાં તેમણે મહત્વની ભૂમિકાઓ ભજવી છે. કહેવાય છે કે 1987માં રાજકોટમાં પહેલી આંતરાષ્ટ્રીય વનડે રમાડાય તેમાં નિરંજન શાહની મહત્વની ભૂમિકા રહી હતી. નોંધનીય છે કે, ડાબોડી બેટ્સમેન નિરંજન શાહ સૌરાષ્ટ્રની ડોમેસ્ટિક ટીમ સાથે 1965/66-1974/75 દરમિયાન જોડાયેલા રહ્યા હતા.