દોડો@હિંમતનગર: ગંજબજારમાં ઘઉંનો રેકોર્ડબ્રેક ભાવ, રૂપિયા 900ને પાર થતાં ખેડૂતો ખુશખુશાલ

 
Himatnagar

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર 

કમોસમી વરસાદ વચ્ચે રાજ્યમાં અનેક જગ્યાએ ખેડૂતોને પારાવાર નુકશાની થયાની બૂમરાણ છે. જોકે ભયંકર મુશ્કેલી વચ્ચે એક ખુશીના સમાચાર એ આવ્યા કે, હિંમતનગર માર્કેટયાર્ડમાં ખેડૂતોએ કલ્પના ના કરી હોય તેવા ભાવ ઓફર થઇ રહ્યા છે. માર્કેટયાર્ડમાં શરૂઆતમાં ઉંચામાં ઘઉંનો ભાવ 800 જાહેર થયો અને હવે આ ભાવ વધીને પ્રતિ 20 કિલોના રૂપિયા 901 સુધી પહોંચી ગયો છે. જાણકારોના મતે, પ્રથમ વખત ઘઉંનો ભાવ આટલો ઉંચો બોલાયો છે. આના લીધે જ દિવસભર ઘઉંની મબલક આવક માર્કેટયાર્ડમાં જોવા મળી રહી છે. પ્રતિદિન હિંમતનગર માર્કેટયાર્ડમાં 14 હજારથી વધુ બોરી ઘઉંની આવક થઇ હોવાનુ માર્કેટયાર્ડના સત્તાધીશોએ જણાવ્યુ હતું. 

સમગ્ર સાબરકાંઠા પંથકમાંથી ઘઉંની આવક હિંમતનગર ગંજબજારમાં થતાં વહેલી સવારથી ખેડૂતો ટ્રેક્ટર અને ડાલા લઇને આવી રહ્યા છે. કમોસમી વરસાદ અને માવઠાની સ્થિતમાં ખેડૂતોને આર્થિક નુકસાની રહી પરંતુ ઘઉંના સારા ભાવ મળતાં ખુશી વધી છે. શનિવારે હિંમતનગર માર્કેટયાર્ડમાં પ્રતિ મણે ઘઉંનો ભાવ રૂપિયા 901 ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. ચાલુ વર્ષે ઘઉંનો ભાવ લગભગ હજારની નજીક પહોંચી જશે તેવી શક્યતા નહોતી અને બીજો કૃષિ પાક કર્યો છે તેવા ખેડુતો પણ ચોંકી ગયા અને ખેતરોમાં અમુક વિઘા ઘઉંનું વાવેતર કર્યું હોત તો સારું હતું તેવું વ્યક્ત કરી રહ્યા છે.

Jaherat
જાહેરાત

આ તરફ હિંમતનગર માર્કેટયાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘઉં વેચવા આવતા ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા હોઈ આવક પણ વધી રહી છે. જાહેર હરાજી મારફતે સીધુ વેચાણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. વજન કાંટો, મજૂરો વર્ગ સહિતની બાબતે આયોજન હોઇ અને ઉંચા ભાવ મળતાં સમગ્ર જિલ્લામાંથી ખેડૂતો ઘઉં વેચવા માટે હિંમતનગર માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે. શનિવારે જાહેર હરાજી દરમિયાન ઘઉંના ઉંચા ભાવ બોલાયા હતા. સારી ગુણવત્તાવાળા 496 વાળા ઘઉંનો 20 કિલોએ રૂપિયા 901 ભાવ બોલાયો છે. હિંમતનગર માર્કેટયાર્ડમાં પ્રતિ દિન 14 હજાર બોરીથી વધુ ઘઉંની આવક થઇ હતી તેમ ઉમેર્યું હતુ.