રોજગાર@ગુજરાત: GSRTCમાં 7 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી, આજથી જ ફોર્મ ભરાવાની શરૂઆત

 
GSRTC

અટલ સમાચાર, ડેસ્ક

જો તમે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)માં નોકરી મેળવવા માંગતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે GSRTC દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 5 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવી હતી અને ફોર્મ ભરવાની શરૂઆત આજથી એટલે કે 7 ઓગસ્ટના રોજથી થઇ રહી છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગતા હોવ તો 6 સપ્ટેમ્બર પહેલા ચોક્કસથી અરજી કરી દેજો. 

આ ભરતીમાં ડ્રાઈવર અને કંડક્ટરની ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો કંડક્ટરની 3342 અને ડ્રાઈવરની 4062 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને પાંચ વર્ષ માટે 18500 નો ફિક્સ પગાર આપવામાં આવશે.

આ ભરતીમાં ડ્રાઈવર તથા કંડકટરની પોસ્ટ પર અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ જરૂરી છે. કોઈપણ સ્ટ્રીમથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઇએ અને ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઇએ. ડ્રાઈવરની પોસ્ટ માટે વયમર્યાદા 25 થી 34 વર્ષ તેમજ કંડકટરની પોસ્ટ માટે વયમર્યાદા 18 થી 34 વર્ષ છે. એસ.ટી વિભાગની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 59 ચૂકવવાના રહેશે.

આ રીતે કરો અરજી

1. સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://gsrtc.in/ પર જાઓ

2. હવે “Recruitment” ના સેક્શન પર ક્લિક કરો.

3. હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.

4. હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.

5. અંતમાં ઓનલાઈન ફી ની ચુકવણી કરો.