નિર્ણય@ગુજરાત : શિક્ષણ વિભાગથી મોટા સમાચાર, સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી સ્થગિત
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી
Special Educators in Gujarat suspended : ગુજરાત રાજ્યના શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણાતી સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી હાલ માટે સ્થગિત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સુપ્રિમકોર્ટમાં ચાલી રહેલા એક કેસના કારણે ભરતી પ્રક્રિયાને અસ્થાયી ધોરણે રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ નોંધનીય બાબત એ છે કે ઉમેદવારોની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ ભરતી સ્થગિત કરવામાં આવી છે, જેના કારણે ભરતીની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારોમાં નિરાશા જોવા મળી રહી છે.
આ ભરતી હેઠળ સ્પેશિયલ એજ્યુકેટર (ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ) માટે કુલ 1841 જગ્યાઓ જાહેર કરવામાં આવી હતી. ઉપરાંત સ્પેશિયલ એજ્યુકેટર (ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ) માટે 1067 જગ્યાઓ પર ભરતી થવાની હતી. સાથે જ મુખ્ય શિક્ષક દિવ્યાંગ વર્ગ માટે 74 જગ્યાઓની ભરતી પણ જાહેર કરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયા સ્થગિત થતાં ઉમેદવારો હવે સુપ્રિમકોર્ટના કેસના અંતિમ નિર્ણય અને સરકારના આગામી નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉમેદવારોમાં ભરતી ફરી શરૂ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

