રિપોર્ટ@ધાનપુર: મનરેગામાં કરારી આરસી અને સ્થાનિક વચ્ચે કેમ ઘર્ષણ, પડદાં પાછળ ચોંકાવનારી હકીકત

મનરેગાની જેવી ફાઇલ એવી કિંમત જેવી હાલત છે ધાનપુર તાલુકા પંચાયતમાં 
 
ધાનપુર મનરેગા

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

ધાનપુર તાલુકામાં મનરેગાના વિવિધ કામોમાં ચોક્કસ ટકાવારીની વાતો વચ્ચે એક વધુ ઘટના બની ગઈ છે. સામાન્ય પગારદાર કરારી કર્મચારી અને સ્થાનિક વ્યક્તિ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી કેમ ઘર્ષણની સ્થિતિ છે તે જાણતાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. મનરેગાના એમ.આઇ.એસ‌ રાજુભાઇ અને સ્થાનિક વ્યક્તિ વચ્ચે એક મામલો ગુંચવાયો છે. આ મામલો વધારે ગુંચવાઈ જતાં ખેંચતાણ વધી અને તકરાર ખૂબ આગળ વધી ગઈ. આ દરમ્યાન ફાઇલો પાસ કરવાના નામે મોટાપાયે રકમ લેવાતી હોવાની ચર્ચાએ ગરમી પકડતાં જે ધ્યાનમાં આવ્યું તે ખળભળાટ મચાવી દેતું છે. મનરેગા કર્મી રાજુભાઈ ધાનપુર તાલુકામાં મોટી જવાબદારી નિભાવે છે ત્યારે સામાન્ય પગારમાં હવેલી જેવાં લાગતાં મકાનમાં વૈભવી જીવનમાં કેવી રીતે આવી ગયા તે સમજવું પડશે.

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં અન્ય તમામ તાલુકાઓ કરતાં સૌથી વધુ અને સૌથી ઝડપી ગ્રાન્ટ આવે છે. નેતાજીના માણસોની મટીરીયલ એજન્સી હોવાથી પોતાના ઉપર પણ નેતાજીની કૃપા રહેશે તેવા આશયથી તીવ્ર ગતિએ ફાઇલોના નામે ઉઘરાણી ચાલે છે. ગંગા નજીક હોય તો કંઈ થોડું બાકી રખાય? તેથી એમ.આઇ.એસ રાજુભાઈના કામકાજને સમજતાં પહેલાં તેમની વૈભવી લાઇફસ્ટાઇલને સમજવી પડે. ખૂબ ટૂંકા ગાળામાં અને સામાન્ય પગારમાં જોતજોતામાં આરસી ભાઈએ કોઈ હવેલીને ટક્કર મારે તેવું આલિશાન મકાન બનાવી દીધું છે. જોકે ઘણાં સમયથી આરસીએ માતાપિતાની છત્રછાયા ગુમાવી હોઈ આવકમાં આરસી જ વનમેન છે. પરંતુ હવે સવાલ એ થાય કે, સામાન્ય પગાર વચ્ચે એકલા આરસીએ લક્ઝુરીયસ બંગલો કેવી રીતે ઉભો કરી દીધો?

સૂત્રોએ જણાવ્યું હતું કે, ધાનપુર તાલુકાના આરસીને મનરેગાના કામકાજમાં વ્યસ્ત જુઓ તો સામાન્ય લાઇફસ્ટાઇલ લાગે પરંતુ તેમનાં ઘર આસપાસથી પસાર થાઓ તો જરાક બંગલા બાજુ નજર કરજો તો ખબર પડે. હવે આ બંગલો પ્રમાણસર આવકથી ઉભો કર્યો કે પછી અપ્રમાણસર આવકથી એ સૌથી મોટો સવાલ બની ગયો છે.

જોબકાર્ડ ધારકો આ તમારા માટે અગત્યનું છે સાવચેત રહેજો

મનરેગા યોજનામાં ભાડે રૂમ રાખીને કરારીઓ તાલુકાના લાભાર્થી/જોબકાર્ડ ધારકો/ફાઇલો વાળા પાસેથી વનીકરણ, જમીન સમથળ, ચેકવોલ, ગૃપ કૂવા સહિતની ફાઈલો પેટે 7000હજારથી માંડી 50 હજાર રૂપિયા લે છે. ફાઈલો પાસ કરવાના નામે ટકાવારી લઈને કામ કરી રહ્યા છે કરારી. જેમાં GRS/MIS/ટેક્નિકલ/એપીઓ વિગેરે અલગ અલગ ભાવ બોલે છે. જેમાં જીઆરએસ ફોટો પાડવાના, અન્ય કામના 200 રૂપિયા, એમ.આઇ.એસ વર્કકોડ પાડવાનાં 300 રૂપિયા અને ટેકનિકલ તેમજ એપીઓ 7000થી 8000 રૂપિયાની ટકાવારી લે છે. આ ટકાવારી લાભાર્થી/ફાઇલવાળાને આપવી પડે છે. આ બાબતમાં સ્થાનિક વ્યક્તિ સાથે mis રાજુભાઈ ઉશ્કેરાયા અને લાભાર્થીને માર મારવામાં આવ્યો હોવાની ચકચાર મચી ગઇ છે.