રિપોર્ટ@રાજકોટ: મનરેગાની તપાસમાં લોકપાલ એક્ટિવ, વહીવટી મંજુરી લેબરની અને ખર્ચ મટીરીયલનો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
રાજકોટ જિલ્લામાં મનરેગા યોજના કમ કાયદાની અમલવારી બાબતે ચોંકાવનારી વિગતો મળી આવી છે. જોબકાર્ડ ધારકોની રોજગારી માટે લીધેલી વહીવટી મંજુરી આખરે મટીરીયલ પાછળ ખર્ચાય છે. અનેક વિભાગોના કામોમાં અને લાખોની રકમમાં લેબર ખર્ચ ઝીરો હોવાનું સામે આવ્યું છે. આ તરફ રજૂઆતો કે ધ્યાને આવેલ ફરિયાદ આધારે લોકપાલ પણ એક્ટિવ બની તપાસમાં લાગ્યા છે. એકાદ બે કેસની તપાસ મનરેગા લોકપાલ ચલાવી રહ્યા છે પરંતુ ટેલિફોનિક વિગતો આપવા ઈન્કાર કર્યો હતો. આ પરિસ્થિતિમાં રાજકોટ જિલ્લામાં મનરેગાના પારદર્શક વહીવટ ઉપર ગંભીર સવાલો ઉભા થયા છે. જાણીએ સમગ્ર અહેવાલ.....
રાજકોટ જિલ્લામાં આમ તો બારેમાસ લેબરની અછત રહેતી હોય છે. આથી મનરેગામાં જોબકાર્ડ ધારકોની સંખ્યા અને તેમાં પણ રોજગારીના દિવસો ઓછા રહેતાં હોય છે. જોકે આમછતાં મનરેગા યોજના રાજકોટ જિલ્લામાં પુરપાટ ઝડપે દોડી રહી હોઇ વિગતો મેળવતાં અગાઉના વર્ષોમાં થયેલ ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ થયો છે. અનેક કામોમાં લેબર ખર્ચ ઓછો નહિ ઝીરો મળી આવ્યો છે. 1લાખથી 2 કે તેથી વધુની રકમના કામમાં 40 ટકાને બદલે 100 ખર્ચ મટીરીયલ પાછળ થયો છે. આથી કાગળ ઉપરની રોજગારી તો હકીકતમાં ભૂંસાઇ ગઇ અને સાથે મનરેગા કાયદાનો પણ ભંગ થયો છે. આ દરમ્યાન શું લોકપાલ દ્વારા કોઈ બાબતે તપાસ થઈ છે તે જાણતાં એકાદ બે કિસ્સામાં હાલ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મનરેગામાં 40 ટકા ખર્ચ મટીરીયલ ખરીદી પાછળ તો 60 ટકા ખર્ચ લેબર પાછળ કરવાનો છે. જોકે આ બાબત તાલુકા કે જિલ્લા સ્તરે જાળવવાનુ છતાં કોઈ કામ એવું તો ના જ હોય કે જેમાં ઝીરો લેબર હોય, એટલે કે તમામ રકમ મટીરીયલ પાછળ ખર્ચવામાં આવી હોય. આવી સ્થિતિમાં સદર કામ જોગવાઈ વિરુદ્ધ પ્રથમ દ્રષ્ટિએ શંકાસ્પદ બનતાં તપાસનો વિષય બને છે. આ બાબતે રાજકોટ ગ્રામ્ય વિકાસ એજન્સીના ડીડીપીસીએ જણાવ્યું હતું કે, હમણાંથી સંરક્ષણ દિવાલ અને આંગણવાડી, પંચાયતઘરના કામો વધુ હોવાથી મટીરીયલ પાછળ વધારે ખર્ચ થાય છે. જોકે ડીડીપીસી એ વાત ભૂલી જાય છે કે, કોઈપણ કામમાં ઝીરો લેબર જોગવાઈથી વિરુદ્ધ છે.