નિર્ણય@વિસનગર: કાંસા ગામના મહિલા સરપંચનું આ કારણે રાજીનામું, ઉપસરપંચને સોંપાયો ચાર્જ
અટલ સમાચાર, ડેસ્ક
વિસનગર તાલુકાના કાંસા ગ્રામ પંચાયતના મહિલા સરપંચે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. જેમાં મહિલા સરપંચે પોતાનું રાજીનામું તાલુકા પંચાયતમાં મોકલી આપતા કારોબારી સભાએ તેમનું રાજીનામું મંજૂર રાખ્યું છે.
વિસનગર તાલુકાના ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી ગત 21 ડિસેમ્બર 2021ના રોજ થઈ હતી. જેમાં ગાયત્રીબેન પટેલની સરપંચ તરીકે જીત થઈ હતી. તેમને સરપંચ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. જેમાં સરપંચ ગાયત્રીબેન પટેલે સામાજિક કારણોસર તેઓના હોદ્દા પર રહી ફરજ બજાવી શકે નહિ તેવું જણાવી લેખિતમાં રાજીનામું તાલુકા પંચાયતને પત્ર વ્યવહારથી મોકલી આપ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અંગે તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં સમિતિએ ચર્ચા બાદ કાંસા ગામના સરપંચ ગાયત્રીબેન પટેલનું રાજીનામું સ્વીકારી લીધું હતું. જેમના રાજીનામા બાદ ગ્રામ પંચાયતનો ચાર્જ ઉપસરપંચ પટેલ રાજેશકુમાર બાબુલાલને સોંપવામાં આવ્યો હતો.