માંગણી@મહેસાણા: ST દ્વારા ટૂંકાવેલ રુટ ફરી ચાલુ કરો: જિલ્લા પંચાયત સદસ્યની CMને રજૂઆત

અટલ સમાચાર, ડેસ્ક
મહેસાણા જિલ્લામાં ST દ્વારા ટૂંકાવેલા રૂટ ફરી ચાલુ કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ સાથે ગોઝારીયા થઈને જતી બસો પણ ફરી ચાલુ કરવાનો રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે. નોંધનીય છે કે, મહેસાણા જિલ્લા પંચાયત સદસ્ય મિહિર પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિતમાં રજુઆત કરી આ માંગ કરી છે.
મહેસાણા જિલ્લા પંચાયત સદસ્ય મિહિર પટેલે માંગ કરી છે કે, ગોઝારીયાથી મહેસાણા, વિસનગર કે અમદાવાદ તરફ ઘણી બસોનું સંચાલન અગાઉ થતું હતું. આ બસો કોરોનાકાળ દરમિયાન વાયા અડાલજ-મહેસાણા હાઇવે થઈ અમદાવાદ તરફ સંચાલન શરૂ કરતા ગામડાઓમાં ચાલતી આ બસ સેવાથી લોકો વંચિત બન્યા છે.
આ સાથે તેમણે કહ્યું છે કે, ગોઝારીયા પંથકના અનેક ગામડાના લોકો ગાંધીનગર અને સચિવાલય નોકરી અર્થે અપડાઉન કરે છે. આ સાથે અંત મુસાફરોને પણ તકલીફ પડતી હોય બસો ફરી શરૂ કરવા માંગ હોવાથી રૂટ પ્રમાણે એક્સપ્રેસ બસો શરૂ કરવા માંગ કરી છે.
કઈ-કઈ બસોને લઈ કરી લેખિત રજૂઆત?
જિલ્લા પંચાયતના સદસ્યએ ગાંધીનગર -પાટણ વાયા પેથાપુર, રૂપાલ, પ્લીયડ, લાઘણજ, આખજ, મહેસાણા, ચાણસ્મા, પાટણ, ડીસા-અમદાવાદ-ડીસા, ગાંધીનગર-થરાદ,સિદ્ધપુર-બાપુનગર, પાટણ-મહેસાણા-કૃષ્ણ નગર, કૃષ્ણનગર-રાધનપુર, ઇડર-અમદાવાદ, બેચરાજી-કૃષ્ણ નગર અને ગાંધીનગર-ડીસા-કલોલ ડેપો આ બસોને પુનઃ ગોઝારીયા થઈ સંચાલન કરવા મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી છે.