ઘટસ્ફોટ@સોનગઢ: ખાનગી શાળાના કાંડ ઢાંકવા કચેરીના કર્મચારીએ કેવા ફોન કર્યા, જાણો

 
સોનગઢ
કચેરીના પ્રામાણિક અને નિષ્ઠાવાન અધિકારીએ તાત્કાલિક અસરથી તપાસનો દોર શરૂ કર્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

સોનગઢ ખાતેની ખાનગી શાળાના બેફામ કૌભાંડો તબક્કાવાર બહાર આવતાં પંથકમાં ચકચાર મચી છે. આ હોબાળાથી મામલો ગરમાય તે પહેલાં ખાનગી શાળાના કહેવાતા સંચાલક ઈસમે પણ દોડધામ કરી છે. આ દોડધામની અસર એવી થઈ કે, ખુદ સરકારી કચેરીના માણસો વચ્ચે પડી રીતસર પતાવટ કરવા ઉતરી પડ્યા છે. વોટ્સએપ ફોન કરીને કેવી કેવી લોભામણી વાતો કરી તે જાણશો તો ચોંકી જશો. આ મામલે કચેરીના વડાને વાત કરતાં અચંબામાં પડી ગયા અને નિંદનીય ગણાવ્યું હતુ. એક નહિ અનેક કૌભાંડોથી ભરેલી આ ખાનગી શાળા અને તેના સેટિંગ્સમાં પત્રકારોને દબાવવાની કોશિશ કરતાં બાબતનો આ સ્પેશ્યલ રિપોર્ટ.

તાપી જિલ્લાના સોનગઢ ખાતે રાજ્ય સરકારની આદર્શ નિવાસી શાળાઓ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે. હવે અહિંની એક ખાનગી શાળાના કરતૂતો બહાર આવતાં તેના આકાઓ અને લાગતાં વળગતા દોડધામ કરી મામલો થાળે પાડવા મથી રહ્યા છે. આ દરમ્યાન ખાનગી શાળાના ગેરકાયદેસર દબાણનો વિષય સામે આવતાં મદદનીશ કચેરી હેઠળના કર્મચારીઓ વચ્ચે પડી સેટિંગ્સ કરાવવા આવ્યા છે. વારંવાર વોટ્સએપ ફોન કરી મામલો પૂરો કરો, તમે કહો એમ કરી આપીએ, મને ફોન આવ્યો હતો, ઓએસ મારફતે મને આ વાત કરવાનું પૂછવા કહ્યું છે. એવી વાતો કરીને લોભામણી સ્કિમ આપવા પ્રયત્ન કર્યો હતો. આવી વાતો સાંભળી ચોંકી ઉઠી તાત્કાલિક અસરથી કચેરીના વડાને જાણ કરી ત્યારે અત્યંત ખરાબ ગણાવ્યું હતુ. હવે અહિં સવાલ થાય કે, કચેરીના કે કચેરી હેઠળના માણસોને શું આવા સેટિંગ્સ માટે ફરજ આપી છે ? વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ખાનગી શાળાના પડદા પાછળના બાહુબલી સિસ્ટમ સાથે નાતો ધરાવે છે. આ નાતો વર્ષોથી હોઈ ખાનગી શાળાના એક પછી એક કાંડ ખૂલે તો મોટો વિષય બને તેમ છે. આ વિષય ના બને તે માટે કહેવાતા બાહુબલીએ વાયા સંપર્ક કરીને કચેરીના માણસોને વચ્ચે ઉતાર્યા હોય તો જ આ માણસો સરકારના કામની સાથે સેટિંગ્સ ડોટ કોમના કામે લાગ્યા હોય. જોકે હવે કોઈપણ સંજોગોમાં આ ખાનગી શાળાના કહેવાતા બાહુબલીની દાદાગીરી ચાલે તેમ નથી, કેમ કે કચેરીના પ્રામાણિક અને નિષ્ઠાવાન અધિકારીએ તાત્કાલિક અસરથી તપાસનો દોર શરૂ કર્યો છે. આ તરફ સરકારી શાળા અને કોલેજ પાસેની સરકારી દિવાલ ઉપરની ખાનગી જાહેરાત તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવી હોવાના પણ અહેવાલ આવ્યા છે. વધુ આગામી ન્યૂઝ રીપોર્ટમાં જાણીએ.