મુશ્કેલી@ઉ.ગુ.: સાબરકાંઠા-અરવલ્લીમાં વરસાદ ખેંચાતા ખેડૂતો બન્યા ચિંતિત, કૃષિપાકને લઈ ચિંતા

 
Farmer

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના ઉત્તર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાયો છે. અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાવાને લઈ હવે ખેડૂતોને મુશ્કેલીના દિવસો શરૂ થયા છે. વાદળો અવારનાર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. પરંતુ વરસાદ નહીં વરસવાને લઈ હવે ખેતરમાં હરીયાળો ઉભો પાક હવે મુરઝાવા ની સ્થિતિએ પહોંચવા ખેડૂતોની ચિંતા વધી ચૂકી છે.

વરસાદ ખેંચાવાને લઈ ઉત્તર ગુજરાતના ખેડૂતોની ચિંતા હવે વધી ચૂકી છે. છેલ્લા વીસથી પચ્ચીસ દિવસથી અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસતો નથી. જિલ્લામાં છેલ્લા એક માસ દરમિયાન ત્યાં પણ વરસાદ વરસ્યો ત્યારે માત્ર હળવા ઝાપટા વરસ્યા હતા. પરંતુ જમીનમાં ભેજ થાય અને ખેતીમાં લાંબા ગાળાનો ફાયદો કરે એવો વરસાદ વરસ્યો નથી. જિલ્લામાં હાલમાં વરસાદની સ્થિતિ મુશ્કેલ જોવા મળી રહી છે.

વરસાદ ખેંચાવાને લઈ ખેડૂતો પરેશાન બન્યા છે. એક તરફ રાજ્યના અન્ય હિસ્સાઓમાં વરસાદ સારો વરસ્યો છે, ત્યાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ખેંચ ખેડૂતો અનુભવી રહ્યા છે. ખેતરમાં તૈયાર પાક લહેરાઈ રહ્યો છે અને હવે તે પાક પણ મુરઝાઈ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. મોડાસા વિસ્તારના ખેડૂત નગીનભાઈ પટેલ કહે છે, ખેતરમાં તૈયાર પાક છે, પરંતુ હવે મુરઝાવા સ્થિતિ પર પહોંચ્યો છે. વરસાદ છેલ્લા વીસ થી પચ્ચીસ દિવસથી ખેંચાવાને લઈ પાકમાં સિંચાઈની સમસ્યા સર્જાઈ છે.

ચોમાસુ પાક નું વાવેતર ઉત્તર ગુજરાતમાં સારુ થયુ છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પણ સારા પ્રમાણમાં પાકનું વાવેતર થયુ છે. મગફળી, સોયાબીન, કપાસ, મકાઈ, સહિતના પાકોને ખેતી મોટા પ્રમાણમાં થઈ છે. જેમાં ખાસ કરીને ચોમાસુ મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે. આ દરમિયાન વરસાદ ખેંચાવાને લઈ ખેડુતોને ચિંતા સર્જાઈ છે.