હાલાકી@સાબરકાંઠા: કમોસમી વરસાદ વચ્ચે ઠેર-ઠેર પાણી ભરાયા, હાઈવે ખખડધજ

 
Sabarkantha

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ગઈકાલે આવેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. સાબરકાંઠામાં પણ માવઠું થતાં ખેડૂતોને પાક નુકસાનની ભીતિ છે. માવઠાને લીધે તૈયાર ઘઉં, તમાકુ, ચણા, જીરુંના પાકમાં નુકસાનની ભીતિ છે. રાત્રે થયેલા માવઠાથી ઘઉં, ચણા, જીરુંનો પાક પલળ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં નુકસાનની દહેશત છે. આ ઉપરાંત વરસાદને લીધે રસ્તા પર ખાડા પડવા અને રોડ પર ભૂવા પડવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. 

સાબરકાંઠામાં વરસાદને કારણે ભરઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. સાબરકાંઠામાં ભારે વરસાદ બાદ પાણી ભરાયાં છે. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગાંભોઈ ભિલોડા રોડ પર વરસાદી પાણી ભરાયાં છે. સુરજપુરા રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ઘૂસ્યાં હોવાનું સામે આવ્યું છે. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લાનો હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે ખખડધજ જોવા મળી રહ્યો છે. એક જ વરસાદમાં રોડની બાજુમાં ગાબડા પડ્યા છે. પાણીના પ્રવાહમાં હાઈવેની કપચી વહેવા લાગી છે. રોડ પર કપચી આવતા વાહનચાલકો પરેશાન થયા છે. આ હાઈવે થોડા જ દિવસો અગાઉ તૈયાર થયેલો છે પરંતુ સામાન્ય વરસાદમાં રોડ તૂટી જતાં કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવેલા કામની ગુણવત્તા ઉપર સવાલો ઉભા થઇ રહ્યાં છે.

આ સાથે અરવલ્લીના ઉમેદપુરમાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ચોમાસામાં ન પડેલો વરસાદ ભરઉનાળે ખાબક્યો હતો. ભારે કમોસમી વરસાદથી ગામમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. મોડાસાના દાધલિયા પાસેના ઉમેદપુરમાં મોટું નુકસાન થયું છે. ભરઉનાળે 2 કલાકમાં 5 ઈંચ વરસાદથી ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.