હિંમતનગરઃ ગઈકાલે જમીનમાં જીવંત દાટેલી નવજાત બાળકીના માતા-પિતા મળી આવ્યા, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક
ગઈકાલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાંભોઈમાં આવેલા GEB પાસેના એક ખેતરમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી આવી હતી. તે બાળકીનાં માતા-પિતા મળી આવ્યાં છે. ભિલોડાના નંદાસણ ગામથી તેમની ધરપકડ કરવામાં આવી છે. તેઓ છેલ્લા 15 દિવસથી સાસરી ગાંભોઈમાં આવ્યાં હતાં. ગાંભોઈ પોલીસે ધરપકડ કરી તેમની પૂછપરછ હાથ ધરી છે. મુખ્ય જિલ્લા તબીબી અધિક્ષક ડો. એન.એમ શાહે બાળકી જીવી ગઈ તે અંગે જણાવ્યું હતું કે નાળ-એમ્બેલિક્લ કોર્ડ સાથે હોવી જોઈએ અથવા માટીનું આવરણ ઓછું અને સમય જેવા કારણ હોઈ શકે છે. નાળના કારણે નવજાતને ઓક્સિજન મળતો રહે છે
આ સમયે હિતેન્દ્રસિંહના ખેતરમાં ખેતમજૂર મહિલાને માટીમાં કાંઈક હલતું દેખાતાં તેણે બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ત્યાં ખોદતાં જમીનમાંથી નવજાત બાળકી મળી આવી હતી. દાટેલું નવજાત શિશુ જીવિત હોવાની જાણ થતાં લોકોમાં જેને 'રામ રાખે તેને કોણ ચાખે' વાળી ચમત્કૃતિની લાગણી ફેલાઈ હતી. એને પગલે તાત્કાલિક 108 સેવાને જાણ કરવામાં આવી હતી. ઘટનાને પ્રત્યક્ષ જોનારા લોકોએ તેના માવતર સામે રોષ વરસાવ્યો હતો.
મળતી મહીતી મુજબ જીવિત નવજાત શિશુને 108 મારફત હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયું હતું. તો આ અંગે ગાંભોઇ પોલીસને જાણ કરાતાં તે પણ ઘટવાસ્થળે દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે 108 સાબરકાંઠાના સુપરવાઈઝર જૈમિન પટેલે જણાવ્યું હતું કે ગાંભોઇમાં આજે સવારે 10 વાગ્યે કોલ આવ્યો હતો કે ગાંભોઈમાં GEB પાસેના ખેતરમાં નવજાત બાળકી માટીના નીચે દટાયેલા હાલતમાં મળી આવી છે, જેથી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સમાં બાળકીની સારવાર શરૂ કરાઈ હતી અને BVM દ્વારા કૃત્રિમ શ્વાસ આપી નવજીવન આપવામાં આવ્યું હતું અને બાળકીને હિંમતનગર સિવિલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.