સાબરકાંઠાઃ બેરોજગાર યાત્રાની શરૂઆત પહેલા જ આમ આદમી પાર્ટીના 18 કાર્યકરોને પોલીસે ડીટેન કર્યા

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં આજે ગુરૂવારથી આમ આદમી પાર્ટી દ્વારા બેરોજગારી યાત્રાની શરૂઆત સાબરકાંઠાના હિંમતનગરથી થવાની હતી. જો કે યાત્રા શરૂ થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીના 18 કાર્યકરોને મોતીપુરાથી એ ડીવીઝન પોલીસે ડીટેન કર્યા હતા. તો બીજી તરફ પાર્ટી દ્વારા યાત્રાની મંજૂરી લેવા માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હતી. તેવું સાબરકાંઠા જિલ્લાના આપના મહામંત્રી ફારુક ખણુસીયાએ જણાવ્યું હતું.
બેરોજગારી યાત્રા સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં યોજાવાની હતી. જો કે હિંમતનગરમાં મોતીપુરાથી બેરોજગારી યાત્રાની નોંધણી તેમજ યાત્રા યોજાય તે પહેલા જ 18 જેટલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. સાથે જ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર રોજગારીના ખોટા આંકડા દર્શાવે છે. ત્યારે સાચા આંકડા બહાર લાવવાના અને યુવાનોને ન્યાય અપાવાના પ્રયાસ અંતર્ગત આ યાત્રા યોજી છે. ત્યારે સરકાર ખોટી રીતે લોકશાહીનું હનન કરવાનો પ્રયાસ કરે છે. જો કે કોઈપણ સંજોગે આ યાત્રા અટકશે નહિ.