સાબરકાંઠાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાબર ડેરીના પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું અને મહિલા દૂધ ઉત્પાદકોનું સન્માન કર્યું

અટલ સમાચાર, ડેસ્ક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સાબરકાંઠામાં આવેલી સાબર ડેરીના ગઢોડા ચોકી ખાતે રૂ. 1,000 થી વધુ કિંમતના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ સ્થાનિક ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને સશક્ત બનાવશે અને તેમની આવકમાં વધારો કરશે. આનાથી પ્રદેશમાં ગ્રામીણ અર્થતંત્રને પણ વેગ મળશે. પ્રધાનમંત્રીએ સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભાર્થીઓ અને ટોચની મહિલા દૂધ ઉત્પાદકોનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સાબર ડેરીનો વિસ્તાર થઇ રહ્યો છે ત્યારે નવો ચીઝ પ્લાન્ટ સાબર ડેરીને મદદ કરશે. આ પ્રસંગે તેમણે તમામ પશુપાલકો અને ડિરેક્ટરોને શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે સાબર ડેરીની વાતમાં ભૂરાભાઇ પટેલની યાદ આવે જ. તેમણે વર્ષો પહેલાં શરૂઆત કરી હતી અને તેમણે લાખો પશુપાલકોનું જીવન સુધાર્યું હતું. સાબરકાંઠામાં કંઇ જ નવું જોવા નહી મળે કારણ કે ભાગ્યે જ એવો કોઇ ભાગ હશે જ્યાં ગયો નહી હોવ.
સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે “આજે સાબર ડેરીનો વિસ્તાર થયો છે. અહીં સેંકડો કરોડના નવા પ્રોજેક્ટ્સ સ્થપાઈ રહ્યા છે. આધુનિક ટેક્નોલોજી સાથે મિલ્ક પાવડર પ્લાન્ટ અને એસેપ્ટિક પેકિંગ વિભાગમાં વધુ એક લાઇનના ઉમેરા સાથે સાબર ડેરીની ક્ષમતામાં વધુ વધારો થશે.” પ્રધાનમંત્રીએ સાબર ડેરીના સ્થાપક વ્યક્તિઓમાંના એક ભુરાભાઈ પટેલને પણ યાદ કર્યા. પ્રધાનમંત્રીએ વિસ્તાર અને સ્થાનિક લોકો સાથેના તેમના લાંબા જોડાણને પણ યાદ કર્યું.