હિંમતનગરઃ રામ નવમીએ પથ્થરમારો થયો હતો એ વિસ્તારમાં પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું

અટલ સમાચાર, ડેસ્ક
દિલ્હીના જહાંગીરપુરીમાં થયેલા ડિમોલીશન બાદ દેશમાં બુલડોઝરનો મુદ્દો ગરમાયો છે. એક તરફ ઉચ્ચતમ ન્યાયાલયે દિલ્હીમાં દબાણ હટાવાની કામગીરી પર વિરામ મૂક્યો છે ત્યારે બીજી તરફ આજે ગુજરાતમાં ફરી બુલડોઝર ફરી વળ્યું છે. રાજ્યમાં રામનવમીના દિવસે નીકળેલી શોભાયાત્રા દરમિયાન હિંમતનગર સહિતના સથ્ળો પર અથડામણ અને પથ્થરમારાની ઘટના થઈ હતી. આ ઘટનામાં ખંભાતમાં લિકાએ દબાણો દૂર કર્યા હતા. જોકે, આજે હિંમતનગરમાં પણ પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું છે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
હિંમતનગરમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકાએ છાપરિયા વિસ્તારમાં ટીપી રોડ પર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. આ દબાણમાં કુલ 5 દબાણો પર બુલડોર ફેરવાશે. આ પૈકીનું એક પાકું મકાન છે. જોકે, સ્થળ પરના અધિકારીઓએ જણાવ્યું કે પાકા મકાનના માલિકે જાતે જ દબાણ તોડવાની કામગીરી શરૂ કરી હતી.
હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે કોઈ પણ અપ્રિય ઘટના ન ઘટે તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. પાકા તેમજ હંગામી દબાણો દૂર કરાઈ રહ્યા છે. અહીંયા ટીપી રોડ પર દબાણ હટાવી અને રોડ ખુલ્લો કરવામાં આવશે. ડિમોલીશન દરમિયાન લારી ગલ્લા, સહિતના કાચા અને હંગામી દબાણો બુલડોઝર દ્વાર તોડી પાડવામાં આવ્યા હતા.