સાબરકાંઠાઃ ખેતરે જઈ રહેલ મહિલા પર ઝરખે જીવલેણ હુમલો કર્યો, વન વિભાગે પોજરે પુરી જંગલમાં મુક્યું

અટલ સમાચાર, ડેસ્ક
સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના પાતળિયા ગામની મહિલા પર ઝરખે હુમલો કર્યો હતો. જેમાં ઝરખે મહિલાનો હાથ કરડી ખાધો હતો. જેને લઈને મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ગ્રામજનો દ્વારા ઇડર વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે 10 કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરી ઝરખનેનપૂર્યું હતું અને મોડી રાત્રે પોળોના જંગલમાં સુરક્ષિત છોડી મુકવામાં આવ્યું હતું.
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
પાતળિયામાં રવિવારે સવારે ગામમાંથી વીણાબેન ઠાકોર ખેતર જતા સમયે દરમિયાન સીમમાં આવેલ મહાકાલીના મંદિરે ચણ નાખવા જતા સમયે સામે ઝરખ આવી ગયું હતું અને 55 વર્ષીય મહિલા પર હુમલો કર્યો હતો. જેમાં ઝરખે મહિલાનો હાથ કરડી ખાધો હતો. ઘટના વિશે જાણ થતા જ આજબાજુના લોકો દોડી આવ્યા હતા અને મહિલાને તાત્કાલિક સારવાર અર્થે 108માં વડનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા.
ગ્રામજનોએ આ ઘટનાની જાણ ઇડર વન વિભાગને કરી હતી. જેને લઈને વન વિભાગની ટીમ પાંજરા સાથે ઘટના સ્થળે પહોચી હતી અને ગ્રામજનોની પૂછપરછ બાદ પાંજરું મુક્યું હતું અને પથરા નીચે સંતાયેલ ઝરખને રેસ્ક્યુ કરી 10 કલાકે પાંજરે પૂર્યું હતું. જેને લઈને ગ્રામજનોને હાશકારો થયો હતો. તો મોડી રાત્રે પાંજરે પુરાયેલ ઝરખને સુરક્ષિત જંગલમાં છોડી મુકવામાં આવ્યું હતું. આ અંગે ઇડર વન વિભાગના આરએફઓ ગોપાલભાઈ પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે પાતળિયા ગમે બનેલ ઘટના અંગે જાણ થતા ઘટના સ્થળે પાંજરા સાથે પહોંચ્યા હતા અને ગ્રામજનો પાસેથી પ્રાથમિક માહિતી મેળવી કાર્યવાહી હાથ ધરી ઝરખને પાંજરે પૂર્યું હતું અને સુરક્ષિત પોળોના જંગલમાં છોડી મુક્યું હતું. ઝરખ જીલ્લામાં અંદાજીત 50 જેટલા હોવાનું જણાવ્યું હતું તો ઇડર તાલુકાના જંગલ વિસ્તારમાં ઝરખની સંખ્યા 15 જેટલી હોવાનું જણાવ્યું હતું. ઝરખ અને માનવી સામ સામે આવી જતા હુમલો કર્યો હોવાનું પણ જણાવ્યું હતું. ઝરખ હડકાયું ન હતું.