કાર્યવાહી@હિંમતનગર: કોરોના દર્દીની હરકતથી તંત્ર ચોંકી ગયું, અંતે ફરિયાદ
કાર્યવાહી@હિંમતનગર: કોરોના દર્દીની હરકતથી તંત્ર ચોંકી ગયું, અંતે ફરિયાદ

અટલ સમાચાર, હિંમતનગર

કોરોના વાયરસના ફફડાટ વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતો ઈસમ લોકડાઉન વચ્ચે એમ્બ્યુલન્સ લઈ મુસાફરો સાથે અવરજવર કરતો હતો. હિંમતનગરથી રાજસ્થાન અનેકવાર મુસાફરોને લઈ જતાં દરમ્યાન સંક્રમણમાં આવ્યો હતો. આ ઈસમે આરોગ્યના સર્વેમાં પોતાની રાજસ્થાન મુલાકાત છુપાવી હતી. આ પછી સ્ટાફ બ્રધર્સ તરીકે નોકરી કરતાં આ ઈસમને કોરોના પોઝીટીવ આવતાં ચકચાર મચી ગઇ છે. આથી ભયંકર બેદરકારી, ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવી, મુસાફરોની હેરાફેરી સહિતના મુદ્દે આ ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો સૌપ્રથમ પોઝીટીવ કેસ સામે આવ્યા બાદ નારાજગી ઉભી થઇ છે. હિંમતનગર સિવિલમાં સ્ટાફ બ્રધર્સ તરીકે નોકરી કરતો નરેન્દ્રસિંહ રોશનસિંહ ચૌહાણે જિલ્લામાં કોરોના વાયરસની ઘૂસણખોરી કરાવી છે. સિવિલ હોસ્પિટલમાં નોકરી સમય બાદ અવારનવાર મુસાફરોને મૂકવા લેવા રાજસ્થાન જતો હતો. મૂળ રાજસ્થાનનો આ નરેન્દ્રસિંહ અચાનક સંક્રમિત બની ગયા બાદ રિપોર્ટ દ્વારા સામે આવ્યો છે. જેમાં રાજસ્થાન મુલાકાત લીધી હોવાની માહિતી છુપાવવા બદલ ફરિયાદ થઇ છે.હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે સ્ટાફ બ્રધર્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી છે. ઈસમ ક્યાં ક્યાં ગયો હતો અને કોને મળ્યો હતો તે સહિતની તમામ વિગતો મેળવવા પોલીસે મથામણ શરૂ કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, યુવકની ગંભીર ભૂલને કારણે અને રાજસ્થાન મુલાકાત દરમ્યાન પોલીસની તપાસમાં છીંડા રહ્યાનું સામે આવ્યું છે. જેના કારણે સોમવાર સુધી કોરોના મુક્ત સાબરકાંઠા જિલ્લો પણ સકંજામાં આવ્યો છે. એક પોઝીટીવ કેસ આવતાં સાબરકાંઠા જિલ્લાના રહીશોમાં ચિંતા અને ફફડાટ ફેલાયો છે. આથી હવે લોકડાઉન મુદ્દે કડક નિયમ લાગુ થયા છે. જેમાં લેખિત પરવાનગી વગર અવરજવર પર પ્રતિબંધ, જિલ્લામાંથી બહાર જવા કે અંદર પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.