ગંભીર@ટેન્ડર: સાબરકાંઠા જિલ્લા પંચાયતના ટેન્ડરમા GeM પોર્ટલથી ખરીદ વેચાણમાં બેફામ સેટિંગ્સ કેમ, સ્પેશિયલ રીપોર્ટ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સાબરકાંઠા જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ નાયબ જિલ્લા વિકાસ અધિકારીના ટેન્ડરોથી શરૂ થયેલી બનાવટી અને નાટ્યાત્મક ભાવ હરિફાઈનો અધ્યાય ઘમધોકાર ચાલી રહ્યો છે જેમાં ઉત્તરોત્તર વધારો કેમ થઈ રહ્યો તે સૌથી મોટો સવાલ છે. હાલના ડેપ્યુટી ડીડીઓ ગીતાબેને લાઈટિંગના ટેન્ડર બાદ વધુ એક સીસીટીવી કેમેરાનુ ટેન્ડર કર્યું તેમાં એલ1 એજન્સીને સ્પર્ધા ના થાય તે માટે સાંઠગાંઠ થઈ છતાં બાયર એવા ડેપ્યુટી ડીડીઓને ધ્યાને લેવું નથી. એક પછી એક ટેન્ડરોમા સ્પર્ધા વગર જ વર્ક ઓર્ડર થાય છે તો પછી એજન્સીઓ વચ્ચે રિંગ સમજવી કે પછી એજન્સીઓને બીડ વેલ્યુથી નીચે વેપાર કરવો પરવડતો નથી? તેનો ઘટસ્ફોટ આજે થઈ ય જાય. વાંચો નીચેના ફકરામાં.

સાબરકાંઠા જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ ગીતાબેને રૂ. 18 લાખના એસ્ટિમેટ બીડ વેલ્યુથી 72 નંગ સીસીટીવી કેમેરાનુ ટેન્ડર કર્યું છે. સાબરકાંઠા જિલ્લા પંચાયતના અગાઉના ટેન્ડરોની જેમ આ સીસીટીવી કેમેરાના ટેન્ડરમા પણ દેખાડો કરવા પૂરતી નાટકીય ભાવ ઓફર કરી/કરાવી કોઈપણ સ્પર્ધા વિના એલ1 હાંસિલ થયું અથવા આપ્યું. હવે અહિં સૌથી મોટો સવાલ થાય કે, બધા ટેન્ડરમા એલ2 અને એલ3 એજન્સીએ બીડ વેલ્યુ કે બીડ વેલ્યુથી નીચે વેપાર કરવો પોશાતો નથી તો ટેન્ડર તૈયાર કરનાર બજાર સ્થિતિનો અભ્યાસ નથી કરતા? બજારમાં જેતે સ્પેશિફિકેશનના લાઈટિંગ કે આ સીસીટીવી કેમેરા બીડ વેલ્યુથી નથી મળતા તો એસ્ટિમેટ બીડ વેલ્યુ ખોટી ઠરે છે? જો ટેન્ડર કરનાર ડીડીઓ, ડેપ્યુટી ડીડીઓ કે કમિટી સંપૂર્ણ સરકારના નાણાંકીય હિતમાં ટેન્ડર અને તેની બીડ વેલ્યુ નક્કી કરે છે તો પછી એલ2 અને એલ3 એજન્સીઓ સ્પર્ધામાં ભાગ કેમ લેતી નથી? તો એવું સમજવાનું કે, એલ1ને કોઈપણ સ્પર્ધાનો સામનો ના કરવો પડે એટલે ઈરાદાપૂર્વક બીડ વેલ્યુથી વધારે ભાવ ઓફર કરવાનો?
જો આ પ્રકારની પૂર્વ આયોજિત મોડસ ઓપરેન્ડી હોય તો બાયર એવા સીસીટીવી કેમેરા ખરીદનાર ડેપ્યુટી ડીડીઓ ગીતાબેન કે ડીડીઓ અથવા કમિટીને કેમ ધ્યાને નથી આવતું? શું આર.એ જોયા વગર વર્ક ઓર્ડર થાય? ના થાય તો પછી ડેપ્યુટી ડીડીઓ અને ડીડીઓ હર્ષદ વોરા એલ1 એજન્સીને કોઈ સ્પર્ધા નથી મળતી તેની જાણકારી નથી ધરાવતાં? ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસનો ઉપયોગ શું માત્ર ટેન્ડર અપલોડ કરવા પૂરતો અને ઓટોમેટિક વર્ક ઓર્ડર થવા દેવા પૂરતો છે? જવાબ છે ના. GeM પોર્ટલથી ખરીદ કરવાની પરંતુ ફરજિયાત ધોરણે પારદર્શક સ્પર્ધા, કોઈપણ પ્રકારની રિંગ નહિ અને બાયર સેલરની મિલીભગત વગર ખરીદી થાય તેની પણ ફરજિયાત કાળજી લેવાની જોગવાઈ છે. આમ છતાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ અને ડીડીઓ જાણે પોતે કશું જાણતા નથી અને એજન્સીઓ વચ્ચે કાર્ટેલ બાબતે તેઓને કંઈ જોવાનું નથી તેવી માનસિકતા રાખી બેફામ સ્પર્ધા વગર ખરીદી કરી રહ્યા છે.

