ગંભીર@વિજયનગર: 63 લાખના ટેન્ડરમા અતિહદ સેટિંગ્સ, વસ્તુ સામે ત્રિપલ ભાવ, બાયર-સેલરની મિલીભગત
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સાબરકાંઠા જિલ્લા પંચાયતી આલમમાં ટેન્ડરથી બેનંબરી રોકડી કરવાનો સિલસિલો બેફામ, બેરોકટોક અને નિર્ભય રીતે ચાલી રહ્યો છે. જેમાં વધુ એક ચોંકાવનારો ઉમેરો ત્યારે થયો જ્યારે વિજયનગર તાલુકા પંચાયતના ટેન્ડરનુ ઘણા દિવસોથી પેન્ડિંગ કામ આખરે વર્ક ઓર્ડરે પહોંચ્યું ત્યારે મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. સરેરાશ રૂ. 20થી 25 લાખે મળી રહેતી અને જેતે સ્થળે ઇન્સ્ટોલ થઇ શકતી લાઇટો માટે અધધધધ...રૂ.63 લાખનુ ટેન્ડર કર્યું છે. આટલુ જ નહિ, અધિકારી અને વેપારીની મિલીભગતથી એજન્સીઓ વચ્ચે કાર્ટેલ થતાં ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર સ્પર્ધા વગર જ વર્ક ઓર્ડર આપી દીધો છે. લાઇટો, પોલ અને લેબર સહિતનો ખર્ચ તેમજ ટેન્ડરની પારદર્શકતા મામલે ટીડીઓથી માંડી ડીડીઓ સુધીના જાણતાં હોવા છતાં પૂર્વ આયોજિત કૌભાંડને અંજામ આપી રહ્યા છે. જાણીએ સમગ્ર અહેવાલ.
વિજયનગર તાલુકા પંચાયતે લાઈટિંગ પોલ માટે રૂ. 63 લાખની ગ્રાન્ટ હેઠળ ઓનલાઇન ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર ટેન્ડર કર્યું હતુ. ઓક્ટોબર નવેમ્બર 2025 દરમ્યાન થયેલા આ ટેન્ડરનો માલસામાન, મજૂરી અને ઈન્સ્ટોલેશન સહિતનો ખર્ચ સરેરાશ રૂ. 20થી25 લાખ થાય તેમ છતાં રૂ.63 લાખનું ટેન્ડર તૈયાર કરી પૂર્વ આયોજિત સેટિંગ્સના ભાગરૂપે મનસ્વી ખરીદ વેચાણના વેપારને અંજાભ આપ્યો છે. મસમોટો ખર્ચ તો ખરો જ સાથે સાથે ટેન્ડર પ્રક્રિયામાં પણ મિલીભગત થતાં ઈરાદાપૂર્વક સ્પર્ધા નહિ કરી કે નહિ કરાવી પારદર્શક સ્પર્ધા વગર જ રિવર્સ ઓક્શન પૂર્ણ થયું હતું. રૂ.63 લાખનું ટેન્ડર છે તેની એજન્સીઓને જાણકારી હોવા છતાં અને રિવર્સ ઓક્શન બીડ વેલ્યુની અંદર થાય તેની જાણકારી છતાં એલ3 એજન્સીએ રૂ.6705300 નો ભાવ ઓફર કર્યો જ્યારે એલ2 એજન્સીએ રૂ. 6541500 નો ભાવ ઓફર કરી એલ1 એજન્સીને કોઈ સ્પર્ધા આપી નહિ. આથી એલ1 એજન્સીએ રૂ.63 લાખનો ભાવ ઓફર આપ્યો ત્યારે બાયર એવી વિજયનગર તાલુકા પંચાયતે રૂ.63 લાખથી માત્ર રૂ.11,340 ઓછાં કરાવી તાત્કાલિક વર્ક ઓર્ડર આપ્યો છે. આ સમગ્ર ટેન્ડરમા ઈરાદાપૂર્વક અને પૂર્વ આયોજિત સેટિંગ્સ હોવા છતાં ટીડીઓથી માંડી ડીડીઓ સહિતના કેવીરીતે આંખ આડા કાન કરી રહ્યા તે પણ સમજવા જેવું છે. વાંચો નીચેના ફકરામાં.
ભયંકર સેટિંગ્સ અને પૂર્વ આયોજિત કૌભાંડથી મનસ્વી વેપાર કરવાના પ્લાનિંગવાળા આ ટેન્ડરમાં સ્પર્ધાની હત્યા અને મસમોટી બીડ વેલ્યુ કૌભાંડનો પાયો અને ઇમારત છે. આ બાબતે જ્યારે ટીડીઓનો વારંવાર સંપર્ક કરવા છતાં કોઈ પ્રત્યુત્તર આપવા ઈચ્છુક જણાયા નથી. આટલું જ નહિ, કોઈપણ શંકાસ્પદ ખરીદ વેચાણની વાત આવે ત્યારે જોવડાવી લઉં કેવા ટેવાયેલા ડીડીઓ પણ જાણીજોઈને કૌભાંડથી ભરેલાં આ વેપારને રોકવા ઇચ્છતા નથી. ત્યારે સૌથી મોટો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે વિજયનગર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ આ ટેન્ડરથી સંપૂર્ણ અજાણ હોવાનું કહ્યું. જ્યારે ટેન્ડર વિશે પ્રમુખના પતિએ વિજયનગર ટીડીઓને પુછ્યું તો જવાબમાં કહ્યું કે, આવું કોઈ ટેન્ડર નથી તેમ પ્રમુખના પતિએ જણાવતાં મામલો વધુ ચોંકાવનારો બનતો જાય છે. આથી આગામી ન્યૂઝ રીપોર્ટમાં કોણે આ ટેન્ડરમા કેવીરીતે ટકાવારી સેટ કરી અને કોણ છે ભાગીદાર તે જાણવા પ્રયત્ન કરીશું.

