કૌભાંડ@સાબરકાંઠા: લાઈટિંગની ખરીદીમાં મહિલા ડેપ્યુટી ડીડીઓએ કેમ ભ્રષ્ટાચાર થવા દીધો દબાણ કે પ્રલોભન?
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સાબરકાંઠા જિલ્લા પંચાયતના તબક્કાવાર આવતાં માલસામાન ખરીદીના ટેન્ડરમા સુનિયોજિત રીતે અને ચોક્કસ ટોળકીના વગ હેઠળ બેફામ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. ગ્રાન્ટ ઉપલબ્ધ હોવાથી લાઈટિંગનો સામાન ઓનલાઇન ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરથી ખરીદવા પૂર્વ આયોજિત સેટિંગ્સ કર્યું હતુ. નિવૃત્ત થયેલા મહિલા ડેપ્યુટી ડીડીઓના સમયમાં એલઈડી લાઈટિંગ ટેન્ડરમા કોઈપણ ફરિફાઇ વગર ચોક્કસ વેપારી પાસેથી ખરીદી કરી/કરાવી ભેગા મળીને તાકાત ધરાવતાએ ભાગબટાઇ કરી હતી. હવે હાલના ડેપ્યુટી ડીડીઓ ગીતાબેને પણ અગાઉની રિતરસમ મુજબ સેટિંગ્સવાળા ટેન્ડરને કેમ મુંગા મોએ થવા દીધું તે સૌથી મોટો સવાલ છે. હાઇમાસ્ટ લાઈટિંગના 51 લાખના ટેન્ડરમા સંપૂર્ણ સેટિંગ્સ હોવા છતાં ગીતબેન ઠાકોર અને તેમના સાહેબ ડીડીઓને કેમ દેખાતું નથી. તેનો ઘટસ્ફોટ આજે આ રિપોર્ટમાં જાણીએ.
સાબરકાંઠા જિલ્લા પંચાયતની વિકાસ શાખાને છેલ્લા કેટલાક મહિનાઓથી ભરપૂર વહીવટી મંજૂરીઓ માલસામાનની ખરીદી માટે આવી રહી છે. તત્કાલીન મહિલા ડેપ્યુટી ડીડીઓ કાપડીયાબેને એલઈડી લાઈટિંગનુ 57 લાખનું ટેન્ડર કર્યું તેમાં સંપૂર્ણ બનાવટી અને નાટ્યાત્મક ભાવ ઓફર/ ભાવ ઘટાડાની પ્રક્રિયા થઈ હતી. 57 લાખનુ ટેન્ડર કોઈપણ ફરિફાઇ વગર એલ1 લાવવામાં આવેલ પૂર્વ આયોજિત સેટિંગ્સવાળી એજન્સીને ફાળે ગયું હતુ. 57 લાખ બીડ વેલ્યુની જાણ હોવા છતાં એલ2 અને એલ3 એજન્સીએ ઈરાદાપૂર્વક વધારે ભાવ ઓફર કર્યા હતા. હવે હાલના ડેપ્યુટી ડીડીઓ ગીતાબેન ઠાકોરે કુલ 51 હાઇમાસ્ટ લાઈટિંગનુ ટેન્ડર કર્યું તેમાં પણ બનાવટી અને દેખાડો કરવા પૂરતી પૂર્વ આયોજિત સેટિંગ્સવાળી આર.એ પ્રક્રિયા થઈ છે. 51 લાખ બીડ વેલ્યુની જાણકારી હોવા છતાં બાયર અને સેલરે ઈરાદાપૂર્વક એલ1 એજન્સીને કોઈપણ સ્પર્ધા કરાવ્યા વિના રૂપિયા 50,50,782 થી વર્ક ઓર્ડર કરાવી દીધો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પૂર્વ ડેપ્યુટી ડીડીઓ કાપડીયાના હસ્તે થયેલ એલઈડીના 57 લાખના ટેન્ડરમા અને હાલના ડેપ્યુટી ડીડીઓ ગીતાબેન ઠાકોરના હાઇમાસ્ટ લાઈટિંગના 51 લાખના ટેન્ડરમા એલ1 એજન્સીને કોઈપણ સ્પર્ધા નથી મળી તેની જાણ ખરીદનાર અધિકારી અને કમિટીને ના હતી ? આ બંને ટેન્ડરમા એજન્સીઓ વચ્ચે નિયમોનુસાર ભાવ સ્પર્ધા નથી થઇ તેમ છતાં વર્ક ઓર્ડર થઈ શકે ? બનાવટી આર.એ થયું, કરાવ્યું, થવા દીધું અને અમલ પણ કર્યું તેની જાણકારી ડીડીઓ હર્ષદ વોરાને નથી ? એજન્સીઓની અંદરોઅંદર ગુટબાજી થઈ તેનો મજબૂત પુરાવો આર.એ પ્રક્રિયામાં છતો થાય છે તો પછી કેમ બંને મહિલા ડેપ્યુટી ડીડીઓ અને ડીડીઓ હર્ષદ વોરાએ ધ્યાને ના લીધું? શું કોઈ રાજકીય દબાણ હતું? ટેન્ડર ઓનલાઇન થતાં પહેલાં કઈ એજન્સી કે એજન્ટો ડેપ્યુટી ડીડીઓ, ડીડીઓ અને રાજકીય આગેવાનને મળવા ગયા હતા? આગામી ન્યૂઝ રીપોર્ટમાં વધુ ઘટસ્ફોટ જાણીએ.

