સેટિંગ@સાબરકાંઠા: એલઈડી લાઈટના 57 લાખના ટેન્ડરમાં બનાવટી હરિફાઈ, અજાણ બનતાં ડેપ્યુટી ડીડીઓ અને ડીડીઓ

 
File image
રિવર્સ ઓક્શનમાં બનાવટી ભાવ હરિફાઈ કરી/કરાવી ઈરાદાપૂર્વક ચોક્કસ ઠેકેદારને વર્ક ઓર્ડર આપવા/અપાવવા મહા સેટિંગ્સ પાડ્યું 
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 
સાબરકાંઠા જિલ્લા પંચાયતના વિવિધ કામોના ટેન્ડરમાં કેવીરીતે વેપારી સેટિંગ્સ થાય છે તે જાણશો તો ચોંકી જશો. હજુ હમણાં સરેરાશ 1 કરોડના શૈક્ષણિક કીટ ખરીદીના ટેન્ડરમા મસમોટું પૂર્વ આયોજિત સેટિંગ્સ પાડી/પડાવી બનાવટી ભાવ હરિફાઈ આપી/અપાવી વેપાર કરી લેવામાં આવ્યો હતો. જેની તપાસના પણ કોઈ ઠેકાણાં નથી અને વધુ એક એલઈડી લાઈટના ટેન્ડરમા તત્કાલીન મહિલા ડેપ્યુટી ડીડીઓએ કોના આદેશથી બનાવટી હરિફાઈને સફળતા અપાવી તે સવાલ ઉભો થયો છે. 57 લાખના ટેન્ડરમા ઈરાદાપૂર્વક એજન્સીઓ વધારે ભાવ ભરી એલ1ને બીડ વેલ્યુ રકમમાં કોઈ જ હરિફાઈ થવા દેતી નથી. ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરથી ખરીદી અને તેમાં સેટિંગ્સબાજીનો કાળો ચિઠ્ઠો જાણતાં છતાં મહિલા ડેપ્યુટી ડીડીઓ અને ડીડીઓ કેમ અજાણ બને છે તેનો સૌથી મોટો ઘટસ્ફોટ આજે, વાંચો નીચેના ફકરામાં.
સાબરકાંઠા જિલ્લા પંચાયતના તત્કાલીન મહિલા ડેપ્યુટી ડીડીઓ જયાબેન કાપડીયા તાજેતરમાં જ નિવૃત્ત થયા છે. નિવૃત્તિના એકદમ નજીકના દિવસોમાં આ મહિલા ડેપ્યુટી ડીડીઓએ શૈક્ષણિક કીટ ખરીદીનુ એક કરોડનું ટેન્ડર કર્યું અને એલઈડી લાઈટનું 57 લાખનું પણ એક ટેન્ડર કર્યું હતુ. હવે એજન્સીઓ ખૂબ આવી હતી પરંતુ ટેકનિકલ ચકાસણી બાદ માત્ર 3 એજન્સીઓ રહી ત્યારે બીડ વેલ્યુથી ઉપર આર.એ ના થાય અને વર્ક ઓર્ડર પણ ના મળે તેમ જાણતાં હોવા છતાં એલ2 અને એલ3 એજન્સીએ બીડ વેલ્યુથી વધારે ભાવ ઓફર આપ્યા. રિવર્સ ઓક્શનમાં પોતાની મળતિયા એજન્સીને 57 લાખથી 5 હજાર પણ ઓછાં ના કરવા પડે તે માટે પૂર્વ આયોજિત બનાવટી ભાવ હરિફાઈને અંજામ આપ્યો અથવા અપાવ્યો હતો. આ તમામ બાબતો શું ખરીદનાર એવા મહિલા ડેપ્યુટી ડીડીઓ જાણતાં ના હતા ? આટલું જ નહી, બજારમાં ભયંકર વેપારી હરિફાઈ છતાં એજન્સીઓ વચ્ચે આ ટેન્ડરમાં બનાવટી હરિફાઈ થઈ તેનાથી મહિલા ડેપ્યુટી ડીડીઓ કે ડીડીઓને કોઈ ફરક ના પડ્યો ? વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરથી પારદર્શક ખરીદી કર્યાનો મહિલા ડેપ્યુટી ડીડીઓ જયાબેન કાપડીયા અને ડીડીઓ વોરા ભલે દાવો કરે પરંતુ પૂર્વ આયોજિત સેટિંગ્સથી આ 57 લાખનું બીડ લેવા, આપવા, અપાવવા કોણે કેટલીવાર જિલ્લા પંચાયતની પંચાયત શાખા અને ડીડીઓ કચેરીમાં ચપ્પલ ઘસ્યા તે ખોટું છે? જો પોર્ટલ ઉપર એજન્સીઓ મનફાવે તેવા ભાવ ભરી શકે તો રિવર્સ ઓક્શન પ્રક્રિયાને એજન્સીઓ કેપ્ચર કરે છે તે ખરીદનાર એવા મહિલા ડેપ્યુટી ડીડીઓ કે કમિટીને નથી દેખાતું? પારદર્શક સ્પર્ધા કોને કહેવાય તે બાબતે ગેસ કેડરના અને આઇએએસ ઓફિસરને ના ખબર હોય? શું તમારા ઘર માટે જ આવી એલઈડી લાઈટ ખરીદતાં હોય તો આવી બનાવટી ભાવ હરિફાઈને સફળ થવા દેશો? કોણે અને કેવીરીતે આ વેપારી સેટિંગ્સને અંજામ આપ્યો તે ટૂંક સમયમાં જાણીએ. કેમ કે બીજા એક ટેન્ડરમા પણ આવી જ મોડસ ઓપરેન્ડી થવાની સંભાવના છે.