હડકંપ@ડાંગ: વનવિભાગના રોજમદારને *સાહેબે* બનાવ્યો ફેમિલીનો કાયમી ડ્રાઈવર, પગાર ખર્ચ સરકારમાંથી

 
Dang Forest

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

ઉત્તર ડાંગ વનવિભાગના વહીવટ વિશે સીસીએફ અવારનવાર જાણકારી મેળવતા હશે પરંતુ કેટલીક બાબતો સર્કલ સુધી પહોંચતી હશે કે કેમ ? રોજમદારોની બાબતે વધુ એક ચોંકાવનારી અને આમ કહીએ તો પેઢીની જેમ વહીવટ ઈચ્છતા સાહેબની હરકત સામે આવી છે. ઉત્તર ડાંગની એક રેન્જમાં એક રોજમદારની નોકરી બોલે છે પરંતુ આ રોજમદારનો ઉપયોગ મોટા સાહેબ પોતાના અંગત કામે કરી રહ્યા છે. હવે આમાં રોજમદારની હાલત કફોડી કહેવું પણ મુશ્કેલ બનશે, કેમ કે સાહેબના ફેમિલી ડ્રાઈવર બનેલા આ રોજમદાર ભાઇને પણ જિલ્લા બહાર હરવાફરવાની‌ મજા છે. રોજમદારનો પગાર ખર્ચ સરકાર ઉઠાવે છે અને સાહેબ પોતાનાં પરિવારની સેવામાં આ રોજમદારને નોકરી કરાવી રહ્યા છે. એક રીતે વિભાગને અને સરકારને આંખમાં ધૂળ નાખતો આ રોચક કિસ્સો ઉત્તર ડાંગ વનવિભાગમાં આજેપણ અવિરત હોવાનું સામે આવતાં હડકંપ મચી ગયો છે. જાણીએ સમગ્ર અહેવાલ.

વૃક્ષોથી આચ્છાદિત અને આહલાદક વાતાવરણ ધરાવતાં ડાંગ વનવિભાગમાં અનેક નવી વાતો જાણવા મળે તેમ છે. ઉત્તર ડાંગ વનવિભાગમાં અનેક રોજમદારો અલગ અલગ ફરજ બજાવતા હોય પરંતુ વડામથકે આવેલી એક રેન્જમાં ડ્રાઈવર તરીકે જેની સેવા બોલે છે તે રોજમદારનો ઉપયોગ ખાનગી કામમાં થઈ રહ્યો છે. ડ્રાઈવરની પોસ્ટ ધરાવતાં રોજમદારને એક મોટા સાહેબે છેલ્લા કેટલાક સમયથી અંગત સેવામાં લગાવી દીધો છે. જિલ્લા બહાર રહેતાં સાહેબના ફેમિલીને વારંવાર ડ્રાઈવરની જરૂર પડતી હોવાથી સાહેબે ફાયદાની સોદાબાજી ગોઠવી છે. રેન્જના ડ્રાઈવરને જ ફેમિલી ડ્રાઈવર બનાવી દીધો છે, જો આ ડ્રાઈવર એવા રોજમદારનું છેલ્લા 6 મહિનાનું મોબાઈલ લોકેશન ચકાસવામાં આવે તો સરકાર મોટો ઘટસ્ફોટ કરી શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રોજમદાર આલમમાં ચકચાર મચી કે, આ રોજમદારને રેન્જના ડ્રાઈવરની ફરજ આપવાને બદલે સાહેબ ખાનગી સેવા આપી રહ્યા છે. સાહેબ પોતાના ફેમિલી માટે ખાનગી ડ્રાઈવર રાખવાને બદલે રોજમદાર ડ્રાઈવરને જ ફેમિલી ડ્રાઈવર બનાવી માસિક ખર્ચ બચાવી રહ્યા છે. આટલું જ નહીં, સરકાર અને વનવિભાગ સાથે શું આ છેતરપિંડી અથવા ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિ નહિ ગણાય કે, જે રોજમદારનો પગાર ખર્ચ સરકારમાંથી થાય છે અને તે રોજમદાર સરકારમાં સેવા આપવાને બદલે અવિરત સાહેબના ફેમિલી ડ્રાઈવર તરીકે કામ કરે છે. હવે આ વાત બધી રેન્જમાં ફેલાઇ ગઇ હોવાથી રોજમદારોમાં કચવાટ છે કે, આ ડ્રાઈવરનો ફાયદો ઉઠાવાય છે કે ખુદ ડ્રાઈવર અને સાહેબ ભળી ગયા છે ?