હડકંપ@સંતરામપુર: દિલીપ પટેલિયા શિક્ષક છે કે પ્રમુખના પીએ?, ગ્રાન્ટોના કામોની તપાસ થાય તો મહાકૌભાંડ ખુલે

 
Santrampur

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કાગળો ઉપર મહિલા છે પરંતુ રિમોટ કંટ્રોલ પતિના હાથમાં છે. પ્રમુખના પતિ મૂળ શિક્ષક છે પરંતુ શૈક્ષણિક કામગીરીને બદલે પ્રમુખના પીએ વધારે છે. મોટાભાગનો સમય તાલુકા પંચાયતમાં અને ફિલ્ડમાં પણ વારંવાર જતાં હોવાથી શિક્ષક કમ પ્રમુખ પીએ ની ભૂમિકામાં ભાસી રહ્યા છે. જિલ્લામાં ફોન કરવાના હોય, ગ્રાન્ટો ક્યાં કેટલી આપવી, કયા કામો લેવા અને સભ્યોની નાણાંપંચની ગ્રાન્ટ બેફામ કાપવાની હોય તે બધામાં આ પ્રમુખ પતિ જ બાહુબલી બની ગયા છે. હવે વાત આટલી નથી, ભોળા અને પ્રામાણિક મહિલા પ્રમુખના નામે થયેલા કામોની સંપૂર્ણ તપાસ થાય તો મહાકૌભાંડ ખુલે તેમ છે. આવી સ્થિતિમાં દિલીપ પટેલિયા કોરા નિકળે અને ભોળા મહિલા પ્રમુખને દોડધામ કરવી પડે. આવો જાણીએ પ્રમુખ પતિની શિક્ષકગીરી કમ પીએગીરી...

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મહિલા પ્રમુખ છે પરંતુ કેમ આખા પંથકમાં એક જ વાત ફેલાઇ ગઇ કે, તેમના વતી દિલીપ પટેલિયા પ્રમુખ જેવો રૂઆબ રાખી રહ્યા છે? હકીકતમાં દિલીપ પટેલિયા નજીકની શાળામાં શિક્ષક છે પરંતુ શાળાને બદલે પંચાયતની પંચાયતમાં વધારે સેવા આપે છે. એક બાજુ ગુજરાત સરકાર અને ભારત સરકાર મહિલા સશક્તિકરણ ઉપર જોર આપે છે ત્યારે બીજી બાજુ સંતરામપુર તાલુકામાં ચોંકાવનારી સ્થિતિ છે. જો દિલીપ પટેલિયાની શાળામાં હાજરીના દિવસો અને સમય સાથે પંચાયતમાં હાજરી અને સમયનું ક્રોસ ચેકીંગ થાય તો મોટો ખુલાસો થાય તેમ છે. આટલુ જ નહિ, દિલીપ પટેલિયા ના તો સભ્ય કે સરપંચ પણ નથી, છતાં તાલુકા પંચાયતમાં આવી મોભાદાર ખુરશીમાં બેસી રાજકીય સોગઠાં કેમ રમે છે એ સૌથી મોટો સવાલ છે. હવે પંચાયત પ્રમુખ અને સભ્યોની ગ્રાન્ટમાં શું થયું અને કોણે કર્યું એ પણ જાણો....

સૂત્રોએ જણાવ્યું હતું કે, સંતરામપુર તાલુકા પંચાયતના સભ્યોની હાલત સત્તા હોવા છતાં લાચારી જેવી છે ? આ સવાલ આખા ગામમાં પૂછાઇ રહ્યો છે, જાણો છો કેમ! ગત વર્ષે તાલુકા પંચાયત સભ્યોને 20 ટકા નાણાંપંચની ગ્રાન્ટ ફાળવવામાં આવી તેમાં હમણાં પૂર્ણ થયેલ વર્ષમાં ભારેખમ ઘટાડો કરી દેવામાં આવ્યો હતો. જ્યારે તાલુકા પંચાયત પ્રમુખને ગત વર્ષની સરખામણીએ હમણાં પૂર્ણ થયેલ વર્ષમાં તોતિંગ વધારા સાથે નાણાંપંચની વહીવટી મંજૂરી મળી છે. આવું કોણે કર્યું અને કેમ તેનો ખુલાસો ખુદ દિલીપ પટેલિયા જ વધારે કરી શકે. જો પ્રમુખે જ કર્યું હોય તો સઘળી જવાબદારી મહિલા પ્રમુખની જ બને અને જો બીજા કોઈએ કહ્યું હોય તો પ્રમુખ નામ આપી શકે. વાત આટલી નથી, વિધાનસભાની ચૂંટણી આસપાસ નાણાંપંચના સરેરાશ અડધા કરોડનું ટ્રાન્ઝેક્શન કોણે અને ક્યાં કર્યું તેની તપાસ ખુદ મહિલા પ્રમુખ કરાવે તે જરૂરી છે.

ટીડીઓ જાણવા છતાં કેમ મૌન ? 

સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ મહિલા હોવા છતાં કેમ દિલીપ પટેલિયા નાણાંકીય બાબતોમાં ટીડીઓ સાથે વાર્તાલાપ કરવા વારંવાર જાય છે ❓ શું દિલીપ પટેલિયા ગ્રાન્ટો અને વહીવટી મંજૂરી બાબતે ટીડીઓને સુચના આપે છે ? જો પ્રમુખના પતિ ગ્રાન્ટ કે કામોની સુચના નથી આપતાં તો વારંવાર કયા મુદ્દે મૌખિક ચર્ચા કરવા જાય છે? ભાજપ સરકાર ઈચ્છે છે કે, મહિલા સશક્તિકરણ કરો તો પણ દિલીપ પટેલિયા કેમ મહિલા સશક્તિકરણ માટે કરીને શાળામાં સંપૂર્ણ સમય નથી આપતાં?