ખુલાસો@ગુજરાત: પૂર અંગેના આક્ષેપો બાદ સરોવર નર્મદા નિગમે કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું ?
અટલ સમાચાર, ડેસ્ક
નર્મદા ડેમમાં પાણી છોડવા મુદ્દે ગુજરાત કોંગ્રેસે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતુ. પૂરની સ્થિતિ અંગે કોંગ્રેસના આક્ષેપો સામે સરદાર સરોવર નર્મદા નિગમે આજે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યુ છે કે, આ માનવસર્જિત આપદા ન હતી. ઉપરવાસમાંથી પાણી છોડતા અને ધોધમાર વરસાદ થતા સરદાર સરોવર ડેમમાં નર્મદાના પાણીનો ભરાવો થયો હતો. જે બાદ ઇન્દિરા સાગર પ્રોજેક્ટ અને સરદાર સરોવર ડેમ વચ્ચે આભ ફાટતા અચાનક જ પૂરની સ્થિતિનું નિર્માણ થયુ હતુ.
સરદાર સરોવર નર્મદા નિગમે આજે સ્પષ્ટતા કરતા જણાવ્યુ કે, સરદાર સરોવર ડેમના કેચમેન્ટ એરિયામાં 15મી સપ્ટેમ્બરે મધ્યમ વરસાદ, 16 તથા 17મી સપ્ટેમ્બરે અતિભારે વરસાદ પડ્યો હતો. તે સમયે ઉપરવાસનો મુખ્ય ડેમ ઇન્દિરા સાગર પ્રોજેક્ટ પૂરેપૂરો ભરાઇ ગયો હતો અને તેણે તમામ પાણી ડાઉનસ્ટ્રીમ એટલે કે, સરદાર સરોવર ડેમ તરફ છોડવાનું શરુ કર્યુ હતુ. તદુપરાંત આઇએસપી (ઇન્દિરા સાગર પ્રોજેક્ટ) અને એસએસપી (સરદાર સરોવર પરિયોજના) વચ્ચે ક્લાઉડ બર્સ્ટ થતા એટલે કે આભ ફાટતા સરદાર સરોવરમાં અચાનક જ પૂરની સ્થિતિ સર્જાઇ હતી.
આ સાથે તેમણે જણાવ્યુ કે, 16મી સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 10 વાગે ડાઉનસ્ટ્રીમમાં પાણી છોડવાનું શરૂ કર્યુ જે બપોરે બાર કલાકે એક લાખ ક્યુસેક અને સાંજે પાંચ કલાકે 8 લાખ ક્યુસેક અને 17મી તારીખે સવારે 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ. ડેમમાં 21.74 લાખ ક્યુસેક પાણી આવ્યુ હતુ તેની સામે 18.62 લાખ ક્યુસેક પાણી છોડ્યુ છે. 13 અને 14 સપ્ટેમ્બરના રોજ કોઇ નોંધપાત્ર વરસાદ કે ઇન્દિરા સાગર તરફથી કોઇ નોંધપાત્ર આઉટફ્લો ન હતો. તેમજ સીડબ્લ્યૂસી દ્વારા કોઇ આગાહી ન હતી. આમ સરદાર સરોવર બંધ ઓથોરિટીઝ દ્વારા 16મીથી 18મી સુધી અણધાર્યા પૂરની પરિસ્થિત દરમિયાન પદ્ધતિસરની કામગીરી કરાઇ છે. જેથી નિચાણવાળા વિસ્તારોમાંથી થતા નુકશાનને શક્ય તેટલું ઘટાડી શકાયું હતુ.
નોંધનીય છે કે, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આરોપ લગાવ્યો હતો કે, 18 લાખ ક્યૂસેક પાણી નર્મદા ડેમમાંથી છોડીને એક માનવ સર્જિત આપત્તિ ઊભી કરાઈ છે. આ સાથે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, આ માનવ સર્જિત આફતને નોતરી છે એવા લોકો સામે લિગલ એક્શન લેવા જોઈએ. મનીષ દોશીએ કહ્યું હતુ કે, પાણી છોડવાનું એક મિકેનિઝમ હોય છે એક સાથે કેટલું પાણી છોડાય કેટલું નહીં એ પણ સ્થિતિ અંગે અવલોકન કરવું જોઈએ.