મિલીભગત@કંડલા: પોર્ટ ટ્રસ્ટની જમીનમાંથી બેફામ માટી ચોરી, PRO કહે, ફરિયાદ કરી તો પછી પોલીસ સ્ટેશને કેમ નથી ?
KPT issue
અટલ સમાચાર ડોટ કોમ, ગાંધીધામ
કંડલા પોર્ટ ટ્રસ્ટની જમીનનો ઉપયોગ અગાઉ ઢોરના ચામડું ઉતારવાં થતો હોવાની લોકચર્ચા બાદ ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગાંધીધામ શહેરમાં બની રહેલા ઓવરબ્રિજમાં માટીની ખૂબ જરૂરિયાત રહી હતી. હવે આ માટી નજીકના કંડલા પોર્ટ ટ્રસ્ટની જમીનમાંથી લાવી હોવાની બૂમરાણ મચી છે. આ બાબતે પોર્ટ ટ્રસ્ટના પીઆરઓ અને બાદમાં ઈજનેર ગોહિલને પૂછતાં ફરિયાદ દાખલ કરી હોવાનું જણાવ્યું હતું. આથી ફરિયાદ કર્યાની તારીખ મેળવી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે પૂછતાં આવી કોઈ ફરિયાદ રજીસ્ટ્રર નહિ થયાનું પીએસઓ દ્વારા જણાવતાં ચોંકાવનારી સ્થિતિ બની છે. કંડલા પોર્ટ ટ્રસ્ટની જમીનમાંથી બેફામ રીતે કરોડોની કિંમતની માટી ચોરાઇ ગઇ છતાં તસ્કરો સામે કોઈ કાર્યવાહી નથી. હવે આ માટી ચોરી શું મિલીભગતથી થઈ હતી? સરકારી જમીનમાંથી અન અધિકૃત રીતે માટી ચોરાઇ જાય છતાં ફરિયાદ દાખલ ના થાય ? આ સવાલો ઉભા થતાં માટી ચોરી મામલે કંડલા પોર્ટ ટ્રસ્ટ સામે જ આશંકા બનતી જાય છે. પોર્ટ ટ્રસ્ટે માટી ચોરીની ઘટના સ્વિકારી પરંતુ કાર્યવાહી મામલે અધ્ધરતાલ જેવી નોબત જણાઇ રહી છે. જાણો સમગ્ર ઘટનાક્રમ.
Kandla port trust issues
કંડલા પોર્ટ ટ્રસ્ટ‌ ખૂબ મોટા વિસ્તારમાં જમીન ધરાવે છે ત્યારે ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર ગતિવિધિને અંજામ પણ કોઈ આપી દે છે. અગાઉ આપણે જોયું તેમ ગાંધીધામ નગરપાલિકાની મૃત ઢોર નિકાલની કામગીરીમાં ચામડું ઉતારવાની જગ્યા કેપીટીની હોવાની રાળ હતી. હવે તો કંડલા પોર્ટ ટ્રસ્ટની જમીન જ ખોદી નાખી માટી ચોરી લીધાની ઘટના સામે આવી છે. સ્થાનિક લોકચર્ચા મુજબ ગાંધીધામમાં બની રહેલા ઓવરબ્રિજમાં માટી ઠાલવવામાં આવી છે તે માટી ચોરીની છે. આથી આ બાબતે કંડલા પોર્ટ ટ્રસ્ટના પ્રવક્તા દાદલાણીને પૂછતાં જણાવ્યું હતું કે, હા માટી ચોરાઇ છે અને ફરિયાદ પણ કરી હશે આથી વધુ વિગતો માટે ઈજનેર ગોહિલનો સંપર્ક કરી શકો. આથી ફરિયાદની વિગતો મેળવવા કંડલા પોર્ટ ટ્રસ્ટના ગોહિલભાઇને પૂછતાં જણાવ્યું કે, ફરિયાદ દાખલ કરી છે વધુ વિગતો રૂબરૂમાં પૂછી લેજો. જોકે ફરિયાદની તારીખ પ્રવક્તાએ જણાવતાં જે સામે આવ્યું તે ખૂબ જ ચોંકાવનારૂ છે.
ગાંધીધામ બી ડિવિઝનના પોલીસ સ્ટેશન ઓફિસરે જણાવ્યું કે, 30 ઓગસ્ટે નોંધાયેલી કુલ ફરિયાદમાં કંડલા પોર્ટ ટ્રસ્ટ તરફથી કોઈ નથી. આટલું જ નહિ માટી ચોરીની ફરિયાદ પણ નથી. તો હવે સવાલ એ ઉભો થાય છે કે, કંડલા પોર્ટ ટ્રસ્ટના પ્રવક્તાએ 30 ઓગસ્ટે ફરિયાદ આપી હોવાનું જણાવ્યું તેમાં તથ્ય નહિ હોય ? હકીકતે કંડલા પોર્ટ ટ્રસ્ટના હદ વિસ્તારમાં હજુ હમણાં આંબેડકર ભવન બનાવ્યું તેની દિવાલથી 10 મીટર નજીક પાછળના ભાગમાં અને ઇફ્કો કોલોનીની બાજુની જમીનમાં ગેરકાયદેસર માટી ખનન થયું છે. આ માટી ગાંધીધામ નગરપાલિકા હદ વિસ્તારમાં હાલમાં બની રહેલા ઓવરબ્રિજમાં ઠાલવી છે તો ઓવરબ્રિજમાં ચોરીનો મુદ્દામાલ ઠાલવવામાં આવ્યો ?? આ સવાલ પણ ઉભો થયો છે.