મહાકૌભાંડ@કચ્છ: મનરેગા અને ફોરેસ્ટનું સેટિંગ્સ, લાખોનાં કામો છતાં રોજગારી ઝીરો, બધા રૂપિયા મટીરીયલમાં સ્વાહા

લાખો રૂપિયાના એક એક કામની તપાસ કરીને જોયું તો રોજગારી ઝીરો જ્યારે મટીરીયલ ખરીદી ધૂમ, ઓનલાઇનમાં આ પોઝિશન છે તો ઓફલાઇન શું હશે?
 
ભુજ તાલુકા મનરેગા
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
કચ્છ જિલ્લામાં ખૂબ જ ચોંકાવનારું મનરેગા યોજનાનું કૌભાંડ એક રીતે ષડયંત્ર સામે આવ્યું છે. ફોરેસ્ટ અને મનરેગાનું સંયુક્ત સાહસ જાણે લાખો રૂપિયાનું કૌભાંડ આચરવા થયું હોવાના પુરાવા મળ્યા છે. મનરેગાની આખી યોજના રોજગારી માટે હોવા છતાં રોજગારી આપવાને બદલે તમામ રકમ મટીરીયલ ખરીદીમાં વાપરી નાખી છે. કુલ રકમનાં 60 ટકા લેબર પાછળ ખર્ચ કરવાનાં છતાં અનેક કામોમાં એક રૂપિયો પણ લેબર ખર્ચમાં વાપર્યો નથી. ગાંધીધામ સિવાયના તમામ તાલુકાઓમાં મનરેગા અને ફોરેસ્ટનું સંયુક્ત કૌભાંડ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. આવો જાણીએ વિગતવાર અહેવાલ.
કચ્છ જિલ્લામાં મનરેગા
મનરેગા યોજના છે તો કાયદો પણ છે. કાયદાની જોગવાઇ મુજબ કુલ રકમનાં 60 ટકા રૂપિયા રોજગારી એટલે કે મજૂરી પેટે ખર્ચ કરવાનાં જ્યારે માત્ર 40 ટકા રકમ જે તે કામ માટે મટીરીયલ ખરીદી માટે ખર્ચ કરવાનાં છે. હવે આ 60:40 નો રેશિયો કામ મુજબ જાળવવામાં આવતો નથી પરંતુ વર્ષ વાઇઝ અથવા સમગ્ર જિલ્લા વાઇઝ જાળવી બધું બરાબર હોવાના દાવા કરાય છે. કચ્છ જિલ્લામાં મનરેગા હેઠળ લેબર અને મટીરીયલ ખર્ચની જોગવાઈનો ભંગ એટલે કે વાયોલેશન થવાને અધિકારીઓ સામાન્ય ગણી રહ્યા છે. હવે આપણે અહિં ગાંધીધામ સિવાયના તમામ તાલુકાઓમાં મનરેગા અને ફોરેસ્ટ વિભાગના સંયુક્ત કામો પૈકી અમુક જ કામોની તપાસ કરી તો ચોંકાવનારી વિગતો મળી છે. ફોરેસ્ટ વિભાગનું તમે કોઈપણ કામ મનરેગા હેઠળ કરો તો પણ ભલે 90 ટકા રકમનો મટીરીયલ ખર્ચ પરંતુ 5થી 10 ટકા તો લેબર ખર્ચ થવો જોઈએ ને.
કચ્છ જિલ્લામાં મનરેગા યોજના
હવે રિપોર્ટ એ સામે આવ્યો છે કે, અબડાસા, અંજાર, ભચાઉ, ભુજ, લખપત, માંડવી, મુંદ્રા, નખત્રાણા અને રાપર સહિતના તાલુકાઓમાં ફોરેસ્ટના કેટલાક કામોમાં લાખો રૂપિયા એકમાત્ર મટીરીયલ ખર્ચમાં વાપરી દીધા છે જ્યારે આ જ કામોમાં એકપણ રૂપિયાનો લેબર ખર્ચ થયો નથી. એટલે કે જે કામમાં 10 લાખ ખર્ચ થયો તે તમામ 10 લાખનું મટીરીયલ ખરીદી લેવામાં આવ્યું અને રોજગારી ઝીરો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ફોરેસ્ટ વિભાગના કામોમાં પ્લાન્ટેશન, નર્સરી, રોપા ઉછેર, ચેકડેમ સહિતના કામો થયા છે. જેમાં ગાંધીધામ સિવાયના તાલુકાઓમાં એકમાત્ર વર્ષ 2021-22 ના કામો જોઈએ તો પણ અનેક કામોમાં લાખો રૂપિયા એકમાત્ર મટીરીયલ ખર્ચમાં વાપરી દીધા છે જ્યારે જોબ કાર્ડ ધારકોની રોજગારી ઝીરો રહી છે. હકીકતે મનરેગા કોઈપણ વિભાગ સાથે સંકલનમાં રહીને કામ કરે ત્યારે અમુક રકમનો તો રોજગારી પાછળ ખર્ચ થાય જ. કોઈપણ સંજોગોમાં એવું બને નહિ કે, મનરેગા હેઠળનું કામ હોય અને લેબર ખર્ચ ઝીરો હોય તેવું અશક્ય છે. આવી સ્થિતિમાં કચ્છ જિલ્લામાં એકમાત્ર 2021-22 માં જ અનેક ગામોમાં લેબર ખર્ચ ઝીરો થયો છે તો આ કૌભાંડ કરોડોનું હોવાનું મનાય છે.
શું કહે છે મનરેગાની જોગવાઈ?
મનરેગા કોઈપણ વિભાગની સાથે કન્વર્ઝન્સમાં કામ કરે છે ત્યારે તેની કુલ ગ્રાન્ટ પૈકી અમુક રકમ લેબર ખર્ચ માટે તો અમુક રકમ મટીરીયલ ખર્ચ પેટે વપરાય છે. વિકાસનું કોઈપણ કામ જ્યારે મનરેગા હેઠળ થાય ત્યારે એસ્ટિમેન્ટ દરમિયાન જ લેબર ખર્ચનો અંદાજ આવી જાય છે. એટલે કે મનરેગા હેઠળના તમામ કામમાં લેબર ખર્ચ ફરજિયાત હોય. જોકે કચ્છ જિલ્લામાં ગાંધીધામ સિવાયના તાલુકાઓમાં એવા 9 કામ શોધી લેવામાં આવ્યા છે કે જેમાં લેબર ખર્ચ ઝીરો છે અને મટીરીયલ ખર્ચ પેટે લાખો રૂપિયા વાપરી દીધા છે.