હડકંપ@સંતરામપુર: એસબીએમ કો ઓર્ડીનેટરે માહિતી માંગનારને આપી મોટી ધમકી, ફરીયાદ દાખલ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સંજેલી તાલુકાના જાગૃત નાગરિકે કેટલાક વર્ષ અગાઉ સંતરામપુર તાલુકા પંચાયતમાં શૌચાલય તેમજ વિકાસના કામો અંગેની માહિતી માટે અરજી કરી હતી. જેની માહિતી આપવામાં તત્કાલીન ટીડીઓ અને ડીડીઓ તરફથી નકારાત્મક વલણ આવ્યું હતુ. આ દરમ્યાન સ્વચ્છ ભારત મિશન શાખાનાં બ્લોક કો-ઓર્ડીનેટરે મોબાઈલ ઉપર આરટીઆઈ અરજદાર ઈશ્વરભાઇ પટેલને મારી નાખવાની ધમકી આપી હતી. એક તો માહિતી આપવામાં લાલિયાવાડી કરી અને ઉપરથી કચેરીના બ્લોક કો ઓર્ડીનેટરે ધમકી આપતાં અરજદાર કાકા ચોંકી ગયા હતા. આ પછી ધમકી આપનાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા એસપીથી માંડી આઇજી સુધીના અધિકારીઓને અરજી કરી હતી. જેની ફરિયાદ આખરે એક વર્ષ બાદ દાખલ થતાં આરોપી ગુણવંત ખડીયાને પકડવા સંજેલી પોલીસે કવાયત હાથ ધરી છે.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના નેનકી ગામે રહેતા ઈશ્વરભાઈ ભાગચંદભાઈ પટેલે વર્ષ 2022 દરમ્યાન સંતરામપુર તાલુકા પંચાયત હેઠળ થયેલા શૌચાલય અને વિકાસના કામોની માહિતી મેળવવા આરટીઆઇ અરજી કરી હતી. જેની માહિતી તત્કાલીન તાલુકા વિકાસ અધિકારીએ આપી નહોતી. આથી અરજદાર ઈશ્વરભાઇએ જિલ્લા વિકાસ અધિકારીને પ્રથમ અપીલ અરજી કરી હતી. આ દરમ્યાન ઈશ્વરભાઈ પોતાના ઘરે હતા ત્યારે સંતરામપુર બ્લોક કો-ઓર્ડીનેટર ગુણવંતકુમાર પ્રતાપભાઈ ખડિયાએ ફોન કરી હું રમણ નિસરતા ખજુરીયાથી બોલું છું તું મારા મિત્રને કેમ હેરાન કરે છે. ખોટી અરજીઓ કેમ કરે છે તેમ બોલીને ધમકીઓ હતી. આ સમય દરમ્યાન અરજદાર ઈશ્વરભાઇએ ગાંધીનગર સ્થિત કમિશ્નર કચેરીમાં બીજી અપીલ દાખલ કરી હતી અને કેસ ચાલી જતાં હુકમ થયો છતાં માહિતી આપવામાં આવી ન હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, માહિતી મેળવવાના પ્રયત્નો દરમ્યાન બીજીવાર સંતરામપુર તાલુકા પંચાયતના બ્લોક કો-ઓર્ડીનેટર ગુણવંતખડીયાએ મોબાઈલ ઉપર ઈશ્વરભાઇ પટેલને કહ્યું હતુ કે, તું આરટીઆઈ હેઠળ કેવી માહિતી માંગે છે, હવે તું મળ્યો તો તને ઉડાડી દઈશ તેવી ધમકી આપી હતી. આથી ઈશ્વરભાઇ રેકોર્ડિંગ પુરાવા સાથે સંતરામપુર તાલુકા પંચાયતના એસબીએમ કો ઓર્ડીનેટર ગુણવંત ખડીયા વિરૂદ્ધ સંજેલી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવા અરજી આપી હતી નોંધાવી હતી. જોકે તે સમયે ફરિયાદ દાખલ નહિ થતાં અરજદાર ઈશ્વરભાઇએ છેક આઇજી સુધી રજૂઆત કર્યા બાદ છેક એક વર્ષ પછી 23 માર્ચે ફરિયાદ દાખલ થઇ છે. સંજેલી પોલીસે આરોપી ગુણવંત ખડીયા વિરૂદ્ધ આઇપીસી 507 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.