રિપોર્ટ@લુણાવાડા: ઉદ્યોગ કેન્દ્રની યોજનામાં સબસિડીનું કરોડોનું કૌભાંડ? ખાનગી ઈસમની શંકાસ્પદ ભૂમિકા

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
મહીસાગર જિલ્લામાં આવેલી ઉદ્યોગ કેન્દ્રની વિવિધ યોજના પૈકી સબસિડી બાબતે ગંભીર ચર્ચાએ જોર પકડયું છે. વેપાર ઉદ્યોગ સંબંધિત યોજનામાં ખાનગી વ્યક્તિએ બોગસ સબસિડી પાડી કરોડોનું કૌભાંડ આચર્યું હોવાની બૂમરાણ મચી છે. અનેક અરજદારોની અરજીઓ પૈકી ભલામણ બાદ કેટલાકને લોન કમ સબસિડી મળતી નથી. આ લોકોની જાણ બહાર યોજના સાથે સંકળાયેલ ખાનગી ઈસમ અને બેંકના એજન્ટે મળી બોગસ સબસિડી પાડી હોવાની આશંકા છે. આવી એક બે નહીં પરંતુ છેલ્લા 5 વર્ષમાં બંને ખાનગી ઈસમોએ મળી કરોડોની રકમ ઉપાડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો ગાંધીનગરથી સ્પેશિયલ તપાસ ટીમ દ્વારા બાજપાઇ બેન્કેબલ યોજનાની તમામ પ્રકારની તપાસ અને ક્રોસ ચેક કરવામાં આવે તો મોટો ભાંડો ફૂટે તેવી શક્યતા જણાઇ રહી છે. કોણ છે ખાનગી ઈસમો અને કેવી રીતે કર્યું હોવાની ચર્ચા છે તે જાણીએ.
લુણાવાડા શહેરમાં આવેલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં છેલ્લા કેટલાક સમયથી મેનેજરની જગ્યા ખાલી રહી. આ સાથે કોઈ ચાર્જમાં પણ ના હોવાની વાત સામે આવતાં અનેક સવાલો ઉભા થયા ત્યારે એક ચોંકાવનારી આશંકા વ્યક્ત થતાં ચકચાર મચી છે. ઉદ્યોગ કેન્દ્રની બાજપાઇ બેન્કેબલ યોજના હેઠળ સ્વરોજગાર માટે સરકાર દ્વારા બેંકને ભલામણ કરી સબસિડી આપવામાં આવે છે. આ માટે દર વર્ષે અનેક અરજદારો બાજપાઇ બેન્કેબલ યોજના હેઠળ સ્વરોજગાર કરવા આવેદન કરતાં હોય છે. જોકે તેમાં અનેક અરજદારો સબસિડી મેળવવાથી વંચિત પણ રહેતાં હોય છે. હવે આવા વંચિત રહેતાં અરજદારોની જાણ બહાર તેમનાં જ નામે સબસિડી કરી/કરાવી પાછલા બારણે ચોંકાવનારી ગતિવિધિ છેલ્લા કેટલાક વર્ષોથી થયાની બૂમરાણ છે. આવી અનેક સબસિડીઓ હેઠળ એક કરારી ઈસમ અને બેંકના એજન્ટે મળીને કરોડોની ગેરરીતિ આચરી હોવાની વાત ફેલાઇ છે. આ બંને ઈસમોએ છેલ્લા 5 વર્ષમાં કરોડોની બેહિસાબી સંપત્તિ એકઠી કરી હોવાની વાત આવતાં ખૂબ જ ગંભીર સ્થિતિ બની છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉદ્યોગ કેન્દ્રની યોજનામાં કોઈ રીતે જોડાયેલા કરારી ઈસમે કાગળ ઉપરની મામૂલી આવકમાં કરોડોની અપ્રમાણસર સંપત્તિ એકઠી કરી હોવાની પણ ચર્ચા છે. આ બાબતે જો ગાંધીનગરની ઉદ્યોગ કમિશ્નરશ્રીની કચેરીએથી સ્પેશિયલ ટીમ મારફતે છેલ્લા 5 વર્ષમાં બાજપાઇ બેન્કેબલ યોજના હેઠળ આવેલી અરજીઓ, બેંકને ભલામણ કરેલી અરજીઓ, બેંક દ્વારા મંજૂર કરેલી અરજીઓ, બેંક અને ઉદ્યોગ કેન્દ્રની સબસિડી વાળી વિગતોનું ક્રોસ ચેકીંગ સહિતની વિગતો ચકાસવામાં આવે તો મોટો ઘટસ્ફોટ થાય તેમ છે. સમગ્ર મામલે ઉદ્યોગ કેન્દ્રના કર્મચારીઓનો સંપર્ક કરતાં મેનેજર આવે ત્યારે મેનેજરનો સંપર્ક કરજો, જોકે આંકડાકીય માહિતી આપવાથી સતત મનાઇ કરી હતી.