ચકચાર@નડિયાદ: સબસિડી યુક્ત ખાતરને રી પેકિંગ કરી વેચવાનું કૌભાંડ, જાણો એક જ ક્લિકે
અટલ સમાચાર, ડેસ્ક
વડતાલ પોલીસે નડિયાદના વલેટવા ચોકડી પાસેના એક ગોડાઉનમાંથી ખેડૂતના હકનું સબસિડી યુક્ત ખાતરને રી પેકિંગ કરી ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ મામલે પોલીસે સલુણ ગામે યુરિયા ખાતરની મંડળી ચલાવનાર સહિત ત્રણ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેડા જિલ્લાના નડિયાદના વલેટવા ચોકડી પાસેના એક ગોડાઉનમાં ખેડૂતોના હક્કનું સબસિડી યુક્ત ખાતર બરોબાર રી પેકિંગ કરી બમણા ભાવે બારોબાર વેચાતું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. જે બાદ પોલીસે ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન પોલીસને ગોડાઉનમાંથી યુરીયા ખાતરની કોથળીઓ અને યુરીયા ખાતરનો પાવડર ભરેલ પ્લાસ્ટિકની કોથળીઓ અન્ય ખાતરની કોથળીઓ મળી આવી હતી. પોલીસે આ સંબંધી જરૂરી પુરાવા માંગ્યા હતા પરંતુ સલમાન મન્સૂરી ગોળ ગોળ જવાબ આપી રહ્યો હતો. જે બાદ તેની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરાઈ હતી. પૂછપરછમાં તેણે જણાવ્યું કે, નડિયાદના સલુણ ગામમાં યુરિયા ખાતરની મંડળી ચલાવતો વિપુલ ચૌહાણ લઈને આવતો હતો. ગોડાઉનમાં તમામ ખાતર ભેગુ કરી હર્ષિલ પટેલ નામના શખ્સને મોબાઈલ પર સંપર્ક કરી ચીખલી ખાતે આવેલ કંપનીમાં મોકલવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે જાતે ફરિયાદી બની આણંદના સલમાન સલીમ મન્સૂરી, સલુણના વિપુલ ચૌહાણ અને હર્ષિલ પટેલ એમ 3 ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.